રાયપુરઃ છત્તીસગઢમાં રાજ્ય સરકારે દારૂ પ્રેમીઓની સગવડ અને લીકર શોપ પરથી ભીડ ઓછી કરવા માટે દારૂની હોમ ડિલિવરી શરૂ કરી છે. દારૂના શોખીનો હવે મોબાઈલ એપ અને વેબસાઈટના માધ્યમથી શરાબ ખરીદી શકે છે.


રાજ્ય સરકારે દારૂની હોમ ડિલિવરીની વ્યવસ્થા ગ્રીન ઝોન એરિયામાં શરૂ કરી છે. એક ગ્રાહક એક વખત 500 એમએલ સુધીનો ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. હોમ ડિલીવરી સેવા માટે ગ્રાહકે 120 રૂપિયા ચૂકવવા પડશે.

અધિકારીના જણાવ્યા મુજબ, જે દારૂની દુકાનો છત્તીસગઢ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોય તેના પરથી ઓર્ડર કરી શકાશે. દારૂની દુકાનો પર ભીડને નિયંત્રિત કરવા, સામાજિક અને વ્યક્તિગત અંતર જાળવી રાખવા માટે ડિલીવરી બોયના માધ્યમથી દારૂ પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હાલ આ સુવિધા ગ્રીન જોનમાં શરૂ કરાઈ છે.



સંબંધિત વેબસાઈટ પરથી દારૂની હોમ ડિલીવરી માટે બુકિંગ કરાવી શકાય છે. ગૂગલ પ્લે સ્ટોરમાં આ સંબંધિત એપને ઈન્સ્ટોલ કરી શકાશે. ઉપરાંત મોબાઈલથી પણ બુકિંગ કરાવી સકાય છે. આ માટે ગ્રાહકે મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને પૂરા એડ્રેસનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન ઓટીપીના માધ્યમથી કન્ફર્મ થશે.

રજિસ્ટ્રેશન બાદ ગ્રાહકે લોગિન કરવું પડશે. જે બાદ નજીકની દારૂની દુકાન સિલેક્ટ કરવી પડશે. ગ્રાહકોની સુવિધા માટે જિલ્લાની તમામ લીકર શોપ ગૂગલ મેપ પર જોવાની સુવિધા પણ છે. પસંદગીની દુકાનમાંથી દારૂની હોમ ડિલિવરીનું બુકિંગ કરાવી શકાય છે. ગ્રાહક એક વખતમાં 500 એમએલ સુધી દારૂ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. ડિલીવરી બોય દ્વારા ઓર્ડર કરવામાં આવેલા દારૂ પહોંચાડવા પર દારૂની કિંમત તથા ડિલીવરી ચાર્જના 120 રૂપિયા ચૂકવવા પડશે.