ચૂંટણી પંચ (EC) એ બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી જેમના નામ દૂર કરવામાં આવ્યા છે તેવા 65 લાખ મતદારોની યાદી જાહેર કરી છે. આ યાદી કમિશનની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે, જેથી બધા મતદારો સરળતાથી તેમની માહિતીની પુષ્ટી કરી શકે.

યાદી જાહેર કરવાનું આ પગલું સુપ્રીમ કોર્ટના 14 ઓગસ્ટના આદેશ હેઠળ લેવામાં આવ્યું છે, તેમાં એવા મતદારોના નામ સામેલ છે જેમના નામ SIR ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચે બિહાર વેબસાઇટ પર એક નવી લિંક પણ એક્ટિવ કરી છે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી તેમની યાદી ચકાસી શકે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જિલ્લાવાર યાદી પ્રકાશિત કરવાનો અને નામો દૂર કરવાના કારણો સ્પષ્ટપણે જણાવવાનો નિર્દેશ આપ્યો હતો. પછી ભલે તે મૃત્યુ, સ્થળાંતર અથવા બેવડી નોંધણીને કારણે હોય. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એમ પણ કહ્યું હતું કે દૂર કરાયેલા મતદારોની બૂથવાર યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં મૂકવામાં આવે અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તેને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવી જોઈએ.

આયોગને માહિતીનો વ્યાપક પ્રચાર કરવા માટે અખબારો, રેડિયો, ટીવી અને અન્ય માધ્યમોમાં જાહેરાતો જાહેર કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ યાદી દરેક BLO (બૂથ લેવલ ઓફિસર) ઓફિસ અને પંચાયત ઓફિસ પર પણ પ્રદર્શિત કરવામાં આવશે.

રાહુલ ગાંધીને ચૂંટણી પંચનો જવાબ

આ દરમિયાન ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના 'મત ચોરી'ના આરોપ પર કડક પ્રતિક્રિયા આપી હતી. ચૂંટણી પંચે રાજકીય પક્ષો પર મતદારોને નિશાન બનાવવાનો અને ચૂંટણી પંચ પર દોષારોપણ કરવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રાહુલ ગાંધીને 7 દિવસની અંદર પુરાવા સાથેનું સોગંદનામું રજૂ કરવા અથવા જાહેરમાં માફી માંગવા જણાવ્યું હતું.

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે જો તેમની પાર્ટી 'જન સુરાજ' ને સંપૂર્ણ બહુમતી નહીં મળે, તો તેઓ કોઈ પણ રાજકીય ગઠબંધનનો ભાગ નહીં બને. ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું કે ભલે તેમને 20 થી 25 બેઠકો મળે, તેઓ સત્તા માટે કોઈ સાથે હાથ નહીં મિલાવે, અને તેના બદલે ફરીથી ચૂંટણી લડવાનું પસંદ કરશે. આ નિવેદન દર્શાવે છે કે તેઓ સત્તામાં આવવા માટે કોઈ સમાધાન કરવા તૈયાર નથી અને એક નવી વિચારધારા પર આધારિત રાજકારણ સ્થાપિત કરવા માંગે છે.