નવી દિલ્હીઃ દિલ્હીના લુટિયન્સ ઝોનમાં 80થી વધુ સાંસદોને લોકસભાની એક પેનલ તરફથી કડક ચેતવણી મળ્યા બાદ પણ સરકારી બંગલા ખાલી નથી કર્યા. સૂત્રોએ જણાવ્યું કે, લોક આવાસ અધિનિયમ હેઠળ સરકાર આ પૂર્વ સાંસદો પર કાર્યવાહી કરવા પર વિચાર કરી રહી છે. સીઆર પાટીલના નેતૃત્વમાં લોકસભા આવાસ સમિતિએ 19 ઓગસ્ટના રોજ લગભગ 200 પૂર્વ સાંસદોને એક સપ્તાહની અંદર બંગલા ખાલી કરવાનો આદેશ કર્યો હતો અને એવું ના કરે તો ત્રણ દિવસની અંદર વિજળી, પાણી અને ગેસ કનેક્શન કાટવાનો આદેશ આપ્યો હતો. સૂત્રોના મતે સમિતિના આદેશ બાદ મોટાભાગના પૂર્વ સાંસદોએ સરકારી બંગલાઓ ખાલી કરી દીધા છે પરંતુ 82 પૂર્વ સાંસદોએ હજુ પણ બંગલાઓ ખાલી કર્યા નથી.


લોકસભા આવાસ  સમિતિના સૂત્રોએ કહ્યું કે આ અસ્વીકાર્ય છે અને આ પ્રકારે પૂર્વ સાંસદો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. એક અન્ય સૂત્રએ કહ્યું કે, સંસદના આ પૂર્વ સભ્યોને નોટિસ આપવામાં આવી રહી છે અને તેમને બંગલા ખાલી કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. જો તેઓ સમય પર બંગલો ખાલી નહી કરે તો તેમના  વિજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. નિયમ અનુસાર, પૂર્વ સાંસદોએ સંબંધિત બંગલા લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર ખાલી કરવો પડે છે. રાષ્ટ્રપતિ કોવિંદે 16મી લોકસભા 25 મેના રોજ ભંગ કરી દીધી હતી.