હાલના સમયમાં સરકારે કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને જૂન 2021 સુધીમાં ભથ્થામાં વધારાને પડતુ મુક્યુ છે. કર્મચારીઓને ગત દરના હિસાબે 17 ટકા ડીએનું ચુકવણું કરવામાં આવશે. તેનો અર્થ એ પણ થયો કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને વેતનમાં વધારાને હજૂ પણ સમય લાગી શકે છે.
માર્ચમાં સરકારે કેન્દ્રીય સરકારના કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. જો કે, એપ્રિલમાં સરકારે મહામારીનો હવાલો આપતા તેને જૂન 2021થી લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારની નોકરીઓમાં 50 લાખથી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સરકારે આ સિવાય 61 લાખ પૂર્વ કર્મચારીઓને પેન્શન આપે છે. આમ સરકારમાં કામ કરનારા લોકો કરતાં પેન્શનરની સંખ્યા વધારે છે. તેમા મોટી રકમનો ખર્ચ થાય છે, પરંતુ આ વખતે કોરોનાના રોગચાળાએ સરકારનું બજેટ બગાડી નાખ્યું છે.
કેન્દ્ર સરકારને મળતી વાર્ષિક કર આવક ઘણી ઓછી થઈ ગઈ છે. હાલમાં કેન્દ્ર સરકારને ફક્ત પ્રત્યક્ષ વેરામાંથી આવક થાય છે, પરંતુ પરોક્ષ વેરાની આવકનું કલેક્શન ઘણું ઘટી ગયું છે. તેના લીધે સરકારે સરકારી કર્મચારીઓને વર્ષમાં બે વખત દેવામાં આવતા મોંઘવારી ભથ્થાની રકમ આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પરિસ્થિતિ સુધરતા સરકાર નિયમિત રીતે ભથ્થાં દેવા લાગી છે. સરકારી કર્મચારીઓ માટે ખોટનો સોદો એ છે કે સરકાર વચ્ચેના દોઢ વર્ષ જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધી કોઈ ભથ્થું નહીં આપે.