Hyderabad : હૈદરાબાદની અવેર ગ્લેનેગલ્સ ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ દર્દીની કિડનીમાંથી 206 પથરીઓ કાઢવામાં આવી હતી. દર્દીને છ મહિનાથી વધુ સમય સુધી ડાબા જંઘામૂળમાં તીવ્ર દુખાવો થતો રહ્યો, જે ઉનાળામાં વધતા તાપમાનને કારણે વધુ ખરાબ થઈ ગયો. જે પછી નાલગોંડાના રહેવાસી વીરમલ્લા રામલક્ષ્મૈયાએ 22 એપ્રિલે અવેર ગ્લેનેગલ્સ ગ્લોબલ હોસ્પિટલનો સંપર્ક કર્યો. કીહોલ સર્જરી દ્વારા ડોક્ટરોએ કિડનીમાંથી પથરી કાઢી હતી. વીરમલ્લા રામલક્ષ્મૈયા સ્થાનિક ડૉક્ટર પાસેથી દવા લઈ રહ્યા હતા, જેનાથી તેમને થોડા સમય માટે પીડામાંથી રાહત મળતી હતી. 


જો કે, પીડા તેની દિનચર્યાને અસર કરતી રહી અને તે તેની રોજિંદી પ્રવૃત્તિઓ કરવામાં અવરોધ ઉભો થતો હતો. હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ ડૉ. પૂલા નવીન કુમારે જણાવ્યું હતું કે, "પ્રારંભિક તપાસ અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેનથી ડાબી કિડનીમાં પથરીઓ દેખાઈ હતી  અને CT KUB સ્કેન દ્વારા તેની પુષ્ટિ થઈ હતી.”


કીહોલ સર્જરી કરીને 206 પથરી કાઢી
ડૉક્ટરે કહ્યું કે દર્દીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને એક કલાક લાંબી કીહોલ સર્જરી માટે તૈયાર કરવામાં આવ્યાં હતા. સર્જરી દરમિયાન તમામ 206 પથરી દૂર કરવામાં આવી હતી. દર્દી શસ્ત્રક્રિયા પછી સારી રીતે સ્વસ્થ થયો અને બીજા દિવસે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ડૉ. નવીન કુમારને ડૉ. વેણુ માન્ને, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, ડૉ. મોહન, એનેસ્થેસિયોલોજિસ્ટ, અને નર્સિંગ અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો દ્વારા સર્જરી કરવામાં મદદ મળી હતી.


પાણીના અભાવે પથરી બની શકે છે
તબીબોએ જણાવ્યું કે ઉનાળામાં ઊંચા તાપમાનમાં શરીરમાં પાણીની ઉણપથી ઘણા લોકો પીડાય છે. જેના કારણે કિડનીમાં પથરી બની શકે છે. ડૉક્ટરોએ સલાહ આપી છે કે લોકોએ વધુ પાણીનું પીવું  જોઈએ અને જો શક્ય હોય તો વધુ નારિયેળ પાણી પીવું જોઈએ. ઉપરાંત લોકોએ તીવ્ર સૂર્યપ્રકાશમાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ અથવા ઓછી મુસાફરી કરવી જોઈએ અને સોડા આધારિત પીણાંનું સેવન ન કરવું જોઈએ.