હૈદરાબાદ : કોરોના વાયરસને લઈ ગુજરાત સહિત દેશમાં હાહાકાર મચી ગયો છે ત્યારે હજુ ઘણાં લોકો લાપરવાહ પણ જોવા મળી રહ્યાં છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિ ફ્રાંસથી પરત ફર્યો હતો. તંત્રએ તેને બે સપ્તાહ માટે ઘરમાં રહેવાની સલાહ આપી હતી. પરંતુ તેણે આ કોઈ ચિંતા કર્યાં વગર લગ્ન કરી લીધા હતાં. આ લગ્નમાં એક હજારથી વધારે લોકો પહોંચ્યાં હતાં. આ ઘટના સામે આવ્યાં બાદ ભારે હંગામો મચી ગયો હતો. (પ્રતિકાત્મક તસવીર)



મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગુરૂવારે આ લગ્ન કરવામાં આવ્યા છે. આ વ્યક્તિનાં લગ્ન હૈદરાબાદથી 150 કિલોમીટર દૂર હનામકોંડામાં રાખવામાં આવ્યા હતાં. સીએમ ચંદ્રશેખર રાવે લોકોને અપીલ કરી હતી કે, લગ્નમાં માત્ર 200 લોકોને જ બોલાવે. તે છતાં આ લગ્નમાં બે હજારથી વધારે લોકો પહોંચ્યાં હતાં.



લગ્ન બાદ મોટા રિસેપ્શનનો પણ પ્લાન બનાવ્યો હતો પરંતુ સીએમ ઓફિસને આ મામલાની જાણ થતાં રિસેપ્શન અટકાવવાનું કહેવામાં આવ્યું હતું. તંત્ર હવે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, આ લગ્નમાં કોણ કોણ સામેલ થયા હતાં. તમામ મહેમાનો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિ 12 માર્ચે ફ્રાંસથી આવ્યો હતો.



ભારતમાં અત્યાર સુધી 236 મામલા સામે આવ્યાં છે. એક જ દિવસમાં 65 જેટલા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોમાં 32 વિદેશી જેમાં 17 ઈટાલી, ત્રણ ફિલીપીનનાં, બે બ્રિટન અને એક એક કેનેડા, ઇન્ડોનેશિયા અને સિંગાપુરનાં નિવાસી છે. જેમાં અત્યાર સુધી દિલ્હી, કર્ણાટક, પંજાબ અને મહારાષ્ટ્રમાં ચાર મોત નીપજ્યાં છે.