CLAIM
રાયબરેલીના બછરાવનમાં મહાકુંભના બેનર પર પેશાબ કરવાનો આરોપી મુસ્લિમ છે.
FACT CHECK
BOOMની તપાસમાં જાણવા મળ્યું કે બેનર પર પેશાબ કરનારા વ્યક્તિનું નામ વિનોદ હતું. રાયબરેલી પોલીસે આરોપીના મુસ્લિમ હોવાના દાવાને નકારી કાઢ્યો છે અને તેને પાયાવિહોણો ગણાવ્યો છે.
ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં મહાકુંભના બેનર પર પેશાબ કરવા બદલ એક વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેને સાંપ્રદાયિક દાવાઓ સાથે શેર કરી રહ્યા છે અને યુવકને મુસ્લિમ કહી રહ્યા છે.
BOOM ને તેની હકીકત તપાસમાં જાણવા મળ્યું કે રાયબરેલીના બછરાવનમાં બનેલી આ ઘટનાના આરોપીનું નામ વિનોદ છે, જે હિન્દુ સમુદાયનો છે. રાયબરેલી પોલીસે પણ યુવક કોઈ અલગ સમુદાયનો હોવાના દાવાને નકારી કાઢ્યો હતો.
વાયરલ વીડિયોમાં કેટલાક લોકો બેનર પર પેશાબ કરવા બદલ એક વ્યક્તિને માર મારતા અને દુર્વ્યવહાર કરતા જોઈ શકાય છે.
X પર આ વીડિયો શેર કરતી વખતે એક યૂઝરે યુવકને મુસ્લિમ ગણાવ્યો અને લખ્યું કે હવે મુસ્લિમોને મહાકુંભના બેનરથી પણ સમસ્યા છે.
પૉસ્ટની આર્કાઇવ લિન્ક
આ ઘટના સંબંધિત એક પૉસ્ટર પણ ફેસબુક પર વાયરલ થઈ રહ્યું છે જેમાં આ જ દાવા સાથે કહેવામાં આવી રહ્યું છે કે તે યુવક મુસ્લિમ હતો.
પૉસ્ટની આર્કાઇવ લિન્ક
આ ઉપરાંત, એશિયાનેટએ પણ તેના અહેવાલમાં યુવકને મુસ્લિમ તરીકે ઓળખાવ્યો હતો.
ફેક્ટ ચેક
સંબંધિત કીવર્ડ શોધની મદદથી અમને 11 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત ડેઇલી ન્યૂઝ પૉસ્ટ, ફ્રી પ્રેસ જનરલ અને અમર ઉજાલાના અહેવાલો મળ્યા, જેમાં વાયરલ વીડિઓના દ્રશ્યો છે.
અમર ઉજાલાના અહેવાલ મુજબ, આ ઘટના 10 જાન્યુઆરીની છે, જ્યારે રાયબરેલીના બછરાવન શહેરના મુખ્ય ચોક પાસે મહાકુંભના પૉસ્ટર પર પેશાબ કરવાના આરોપમાં સ્થાનિક લોકોએ એક વ્યક્તિને માર માર્યો હતો. ત્યાં હાજર કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પૉસ્ટ કર્યો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
વાયરલ વીડિયોમાં UttarPradesh.ORG નો વૉટરમાર્ક છે. તપાસ માટે અમે તેના X હેન્ડલ પર પહોંચ્યા. અમને જાણવા મળ્યું કે અહીં પણ કથિત રીતે પેશાબ કરનારો આરોપી બીજા સમુદાયનો હોવાનું કહેવાય છે. આ વીડિયોના જવાબમાં રાયબરેલી પોલીસે એક નોંધ શેર કરી અને સાંપ્રદાયિક દાવાને નકારી કાઢ્યો.
આ નોંધમાં પોલીસે જણાવ્યું હતું કે 10 જાન્યુઆરીની રાત્રે રાયબરેલીના બછરાવન બ્લૉકમાં નશાની હાલતમાં એક યુવકે દિવાલથી ત્રણથી ચાર ફૂટના અંતરે પેશાબ કરવાનું શરૂ કર્યું. સ્થળ પર હાજર લોકોએ આનો વિરોધ કર્યો અને તેને બીજા સમુદાયનો ગણાવીને માર માર્યો.
પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે યુવાનનું નામ વિનોદ હતું. વિનોદ કન્નૌજનો રહેવાસી છે અને સાયકલ પર બજારમાં ફરતો ફરતો ફેરિયા તરીકે કામ કરે છે.
પોલીસે આ નોંધમાં સ્પષ્ટપણે લખ્યું છે કે વિનોદ દિવાલ પાસે પેશાબ કરી રહ્યો હતો, કુંભના બેનરથી અજાણ હતો. એવું કહેવું કે યુવક કોઈ અલગ સમુદાયનો છે તે સંપૂર્ણપણે ખોટું અને પાયાવિહોણું છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક બૂમે કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)