ભારતે અવકાશમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ISROના SpadeX મિશને ઐતિહાસિક ડોકિંગ સફળતા હાંસલ કરી છે. ઈસરોએ પહેલી વાર બે ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા હતા. આ સાથે ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો દેશ બન્યો છે. આ વાસ્તવમાં ભારત માટે ગર્વની ક્ષણ છે. પીએમ મોદીએ આ ઐતિહાસિક સિદ્ધિ માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે ઉપગ્રહોના સ્પેસ ડોકીંગની સફળતા માટે ISROના આપણા વૈજ્ઞાનિકો અને સમગ્ર અવકાશ સમુદાયને અભિનંદન. આવનારા વર્ષોમાં ભારતના મહત્વાકાંક્ષી અવકાશ મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ મિશનનું ટ્રાયલ 12 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયું.
ISRO એ કહ્યું- આ એક ઐતિહાસિક ક્ષણ છે
ISRO એ પણ આ ઐતિહાસિક સિદ્ધિ માટે તેની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે SpadeX મિશનની ડોકિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ એક ઐતિહાસિક ક્ષણ છે. 15 મીટરથી 3 મીટર હોલ્ડ પોઈન્ટ પર લાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અવકાશયાનને સફળતાપૂર્વક કેપ્ચર કરવામાં આવ્યું હતું. ભારત અવકાશમાં સફળ ડોકિંગ હાંસલ કરનાર ચોથો દેશ બન્યો.
12 જાન્યુઆરીએ પૂર્ણ થયું હતું તેનું ટ્રાયલ
વાસ્તવમાં રવિવાર, 12 જાન્યુઆરીના રોજ સ્પેડેક્સના બંને ઉપગ્રહ ચેઝર અને ટાર્ગેટ એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. બંને ઉપગ્રહોને પહેલા 15 મીટરની નજીક અને પછી 3 મીટરની નજીક લાવવામાં આવ્યા. આના એક દિવસ પહેલા શનિવારે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (સ્પેડેક્સ) મિશનમાં સામેલ બે ઉપગ્રહો વચ્ચેનું અંતર 230 મીટર હતું. અગાઉ,આ મિશન બે થી ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યું હતું.
ઈસરોએ 30 ડિસેમ્બરે આ મિશન લોન્ચ કર્યું હતું.
સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશનનો ઉદ્દેશ્ય અવકાશમાં ડોકિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે, જે ભારતના ભવિષ્યના અવકાશ પ્રયાસો માટે મહત્વપૂર્ણ છે. હવે આ મિશન સ્પેસ સ્ટેશન અને ચંદ્રયાન-4ની સફળતા નક્કી કરશે. ઇસરો એ 30 ડિસેમ્બરના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C60 રોકેટની મદદથી આ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું.
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલા આ મિશનમાં બે નાના ઉપગ્રહોનો સમાવેશ થાય છે. આ દરેકનું વજન આશરે 220 કિલો છે. આ મિશન ઇસરો માટે એક મોટો પ્રયોગ છે. આ મિશન ભારતીય અવકાશ મથકની સ્થાપના અને ચંદ્રયાન-4 ની સફળતા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ડોકિંગ-અનડોકિંગ ટેકનિકનો ઉપયોગ ચંદ્રયાન-4 મિશનમાં કરવામાં આવશે. આ મિશનની ટેકનોલોજીનો ઉપયોગ નાસાની જેમ આપણા પોતાના સ્પેસ સ્ટેશન બનાવવા માટે કરવામાં આવશે. ચંદ્ર પર માણસોને મોકલવા માટે પણ આ ટેકનોલોજી જરૂરી છે.