UIDAI Update: કેન્દ્ર સરકાર (Central Government)એ આધાર કાર્ડ (Aadhaar Card Update)ને લઈને મોટી જાણકારી આપી છે. સરકારે આધાર કાર્ડને લઈને આજે સવારે એક નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. કે લોકો પોતાના આધાર કાર્ડની ફોટો કોપી (ઝેરોક્ષ) કોઈને ના આપે. સરકારે જણાવ્યું હતું કે, આધાર કાર્ડનો દુરુપયોગ થવાની સંભાવના હોય છે. જો કે હવે સરકારે પોતાના આ નિવેદનને પરત ખેંચ્યું છે.


કેમ નિવેદન પરત ખેંચ્યું?
સરકારને નવી અખબારી યાદી જાહેર કરીને આ વિશે જાણકારી આપી છે. હવે સરકારે નિવેદન પરત ખેંચવાનું કારણમાં "ખોટો અર્થ" નીકળવાની સંભાવના વ્યક્ત કરી છે. સરકારે જાહેર કરેલી બીજી અખબારી યાદીમાં જણાવ્યું કે, પહેલાં જાહેર કરવામાં આવેલા નિવેદનનો ખોટો અર્થ અને ખોટી વ્યાખ્યા થવાની સંભાવનાને લઈને તાત્કાલિક અસરથી આ નિવેદનને પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


વિવેક બુદ્ધીનો ઉપયોગ કરોઃ
કેન્દ્રિય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે નોટિસ જાહેર કરીને જણાવ્યું કે, આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડનો ઉપયોગ અને કોઈને આધાર કાર્ડની માહિતી આપતી વખતે સામાન્ય વિવેકનો ઉપયોગ કરવાનો રહેશે. લોકો કોઈની પણ સાથે આધાર નંબર શેર કરતાં પહેલાં જરુરી તપાસ કરી લે.


આજે સવારે જ જાહેર કર્યું હતું નિવેદનઃ
તમને જણાવી દઈએ કે, આજે સવારે જ કેન્દ્ર સરકારે એક અખબારી યાદી જાહેર કરીને દેશવાસીઓને અપિલ કરી હતી કે, પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ કે ફોટો કોપી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સાથે તરત જ શેર ના કરવી. 27 મેના દિવસે  ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે એક સૂચના જાહેર કરીને કહ્યું હતું કે, જે સંગઠનો/ સંસ્થાઓએ યુઆઈડીએઆઈ (UIDAI) પાસેથી ઉપયોગકર્તાનું લાયસન્સ લીધું છે તેઓ કોઈ પણ વ્યક્તિની ઓળખ નક્કી કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય યાદીમાં એ પણ કહ્યું હતું કે, હોટલ અને ફિલ્મ જેવી ખાનગી સંસ્થાઓ પર આધારકાર્ડની કોપી રાખવાની હકદાર નથી.