નવી દિલ્હીઃ આગામી જૂન મહિનાથી કેટલાક મોટા ફેરફારો થઇ રહ્યાં છે, જેના કારણે સામાન્ય માણસના બજેટમાં થોડો ફેરફાર જરૂર આવશે, કેમ કે કેટલાક ફેરફાર એવા છે જેનાથી તમારા ખિસ્સા પરનુ ભારણ વધી જશે. સાદા શબ્દોમાં કહીએ તો 1 જૂનથી સમગ્ર દેશમાં કેટલાક ફાયનાન્સિયલ ફેરફારો થવાના કારણે તમારી જાવક વધી શકે છે. આવા ખાસ કરીને છ મોટા ફેરફાર છે, જાણો અહીં......... 


1લી જૂનથી થનારા ફેરફારો- 


ગાડીઓનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ મોંઘો થઈ જશે, એટલ કે 1 જૂનથી ફૉર વ્હીલરની સાથે ટુ વ્હીલરનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ મોંઘો થવા જઈ રહ્યો છે. હવે તમારે થર્ડ પાર્ટી વીમા માટે વધારે પ્રીમિયમ આપવું પડશે. ટૂ વ્હીલરના કિસ્સામાં 150 ccથી 350 cc સુધીના વાહનો માટે 1,366 રૂપિયા પ્રીમિયમ તરીકે ચૂકવવા પડશે, જ્યારે 350 ccથી વધુના વાહનો માટે પ્રીમિયમ 2,804 રૂપિયા હશે.


SBIમાંથી હોમ લોન લેવાનું મોંઘું થઈ જશે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના હોમ લોન એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR)ને 40 બેઝિસ પોઈન્ટ વધારીને 7.05% કરી દીધો છે, જ્યારે RLLR 6.65% પ્લસ ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ (CRP)હશે. વધતા વ્યાજ દર 1 જૂનથી લાગુ થશે. તેનાથી હોમ લોનના વ્યાજ દરમાં વધારો થશે. પહેલા EBLR 6.65% હતો, જ્યારે રેપો-લિંક્ડ લેંડિંગ રેટ (RLLR)6.25% હતો. 


ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો સોનાના હોલમાર્કિંગનો બીજો તબક્કો શરૂ થશે. હવે 256 જૂના જિલ્લા સિવાય 32 નવા જિલ્લામાં પણ હોલમાર્કિંગ સેન્ટર્સ ખોલવામાં આવશે. હવે આ તમામ 288 જિલ્લામાં સોનાના ઘરેણાનું હોલમાર્કિંગ ફરજિયાત બનશે. આ જિલ્લામાં હવે 14, 18, 20, 22, 23, અને 24 કેરેટના દાગીના જ વેચી શકાશે. તે પણ હોલમાર્કિંગ પછી વેચી શકાશે.


એક્સિસ બેંક સેવિંગ્સ અકાઉન્ટના નિયમોમાં ફેરફારએક્સિસ બેંકે સેવિંગ્સ અકાઉન્ટ પર લાગતા સર્વિસ ચાર્જને વધારવાનો નિર્ણય કર્યો છે. 1 જૂનથી સેવિંગ્સ અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત સેમી અર્બન અને ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકોને એક્સિસ બેંકના તમામ પ્રકારના સેવિંગ અકાઉન્ટમાં 15,000ની જગ્યાએ ન્યૂનતમ 25,000 રૂપિયા રાખવા અથવા 1 લાખ રૂપિયાની ટર્મ ડિપોઝિટ રાખવાની રહેશે.


ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ટ્રાન્ઝેક્શન પર ફી, જૂન મહિનાથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાનું પણ મોંઘું થઈ જશે. IPPBએ 15 જૂનથી રોકડ વ્યવહાર ફી વસૂલવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમો હેઠળ, પ્રથમ ત્રણ રોકડ ઉપાડ, રોકડ જમા કરાવવા અને દર મહિને મિની સ્ટેટમેન્ટ લેવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં. ફ્રી ટ્રાન્ઝેક્શન પછી દરેક રોકડ ઉપાડ અથવા રોકડ ડિપોઝિટ પર રૂ. 20 પ્લસ GST લાગશે, જ્યારે મિની સ્ટેટમેન્ટ ટ્રાન્ઝેક્શન પર રૂ.5 પ્લસ GST લાગશે.


ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર, દેશની સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. 1 જૂને સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. આ પહેલા 1 મેના રોજ 19 કિલોવાળા કોમર્શિયલ LPG સિલિન્ડર 102 રૂપિયા મોંઘો થયો હતો.