બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે મંગળવારે (૧૨ ઓગસ્ટ, ૨૦૨૫) થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધાર કાર્ડને નિર્ણાયક પુરાવા તરીકે ન ગણવાનો ચૂંટણી પંચનો મુદ્દો સાચો છે. કોર્ટે કહ્યું હતું કે આધાર કાયદામાં પણ તેને પુરાવા તરીકે ગણવામાં આવ્યું નથી. અરજદારોની દલીલ પર કોર્ટે આ વાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે SIR માં આધાર કાર્ડ સ્વીકારવામાં આવી રહ્યું નથી.
અરજદારો તરફથી કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ, અભિષેક મનુ સિંઘવી અને ગોપાલ શંકરનારાયણ જેવા વરિષ્ઠ વકીલો હાજર થયા હતા, જેમણે SIR પ્રક્રિયામાં અનિયમિતતાનો દાવો કર્યો છે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે નિવાસી હોવું અને 18 વર્ષનું હોવું પૂરતું હોવું જોઈએ. આના પર કોર્ટે કહ્યું હતું કે પરિવાર રજિસ્ટર, પેન્શન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર જેવા ઘણા દસ્તાવેજો છે, જે રહેઠાણ જાહેર કરી શકે છે. કોર્ટે કહ્યું હતું કે 2003 SIR ધરાવતા લોકોને પણ ફોર્મ ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે. 7.89 કરોડમાંથી 7.24 કરોડ લોકોએ ફોર્મ ભર્યું છે.
કપિલ સિબ્બલે SIR પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું હતું કે 22 લાખ લોકોને મૃત બતાવવામાં આવી રહ્યા છે, 36 લાખ લોકોને કાયમી ધોરણે વિસ્તાર છોડીને ગયા હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે, પરંતુ યાદી આપવામાં આવી રહી નથી. પ્રશાંત ભૂષણે એમ પણ કહ્યું કે યાદી આપવામાં આવી રહી નથી, જેના પર ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ કોર્ટને જણાવ્યું કે યાદી તમામ રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટોને આપવામાં આવી છે. તો પ્રશાંત ભૂષણે પ્રશ્ન કર્યો કે ફક્ત રાજકીય પક્ષો જ કેમ, બધાને કેમ નહીં.
કપિલ સિબ્બલે કોર્ટમાં એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જાન્યુઆરી 2025માં જાહેર કરાયેલી યાદીના 7.24 લાખ લોકોને SIRમાં મૃત બતાવવામાં આવી રહ્યા છે. તેમની દલીલ પર કોર્ટે કહ્યું કે SIRનો હેતુ આ ભૂલોને સુધારવાનો છે. અરજદારે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે બૂથ લેવલ ઓફિસર એક મહિનામાં લાખો લોકોની પુષ્ટી કેવી રીતે કરી શકે છે.