મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારમાં સહયોગી શિવસેના ગોરેગાંવની આરે કોલોનીમાં વૃક્ષો કાપવાને લઇને સતત વિરોધ કરી રહી છે. આ વચ્ચે પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી રહેલી આદિત્ય ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, આરેમાં વૃક્ષ કાપનારા અધિકારીઓને સત્તામાં આવતા જ પીઓકે મોકલીશું. નોધનીય છે કે આજે પોલીસે વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે ત્યારબાદ પ્રદર્શન કરી રહેલા લગભગ 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે જેમાં શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી પણ સામેલ હતી.


વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહેલા આદિત્ય ઠાકરે કહ્યું કે, ચોરોની જેમ આરેની જમીન  પર વૃક્ષો કાપનારા અધિકારીઓને અમે સત્તામાં આવતાની સાથે જ પીઓકેમાં મોકલીશું. પર્યાવરણવાદીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે તો પછી આપણે કેમ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને પર્યાવરણ બચાવવા જેવી ખોટી વાતો દુનિયા સામે રાખીએ છીએ.

તેમણે કહ્યું કે, શિવસેના ભલે જ સત્તામાં છે પરંતુ આરે કારશેડનો અમે વિરોધ કરીએ છીએ અને તે આગળ પણ યથાવત રહેશે. અમારી અન્ય મુદ્દાઓ પર પણ લડાઇ છે. આ લડાઇ ના  ભાજપ વિરુદ્ધ શિવસેના અથવા મુખ્યમંત્રી ફડણવીસ વિરુદ્ધ નથી પરંતુ આ મુંબઇની સામાન્ય જનતાની વાત છે.

પોલીસે આજે સવારે આરે કોલોની વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. જેનો વિરોધ કરી રહેલી શિવસેનાની નેતા પ્રિયંકા ચતુર્વેદી સહિત 100 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, જે નિર્ણય આવ્યો છે તેનો  અમે વિરોધ કરીએ છીએ. બીજા પણ ઓપ્શન હતા તેને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રિય પર્યાવરણ મંત્રી જાવડેકરે વૃક્ષો કાપવાનું સમર્થન કર્યું હતું અનેકહ્યું હતું કે, હાઇકોર્ટનું માનવું છે કે આરે જંગલ નથી અને જ્યાં જંગલ છે ત્યાં તમે વૃક્ષો કાપી શકતા નથી.