Aaj Ka Mausam: દેશમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, મોટાભાગના શહેરોમાં લૂ અને અગન વર્ષા થઇ રહી છે. નવી દિલ્હીમાં શનિવારે સતત બીજા દિવસે દિલ્હી-NCRમાં હીટવેવની સ્થિતિ યથાવત રહી છે. રાજધાનીના સફદરજંગમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અહીં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ સમગ્ર વિસ્તારમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.


રવિવાર (19 મે) માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમવારથી બુધવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન શહેરના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. હવામાન વિભાગે લોકોને માત્ર ઘરની અંદર જ રહેવાની સલાહ આપી છે.


મુંગેશપુરનું તાપમાન રહ્યું સૌથી વધુ 
ઉત્તર પશ્ચિમ દિલ્હીનું મુંગેશપુર 46.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજધાનીમાં સૌથી ગરમ સ્થળ હતું. આ પછી નજફગઢનું તાપમાન સૌથી વધુ હતું. અહીંનું તાપમાન 46.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.


રાજસ્થાનમાં પણ ગરમીથી બેહાલ 
હવામાન વિભાગે જણાવ્યું હતું કે સમગ્ર ઉત્તર ભારતમાં હીટવેવની સ્થિતિ યથાવત છે. રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 46.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી આકરી ગરમી પડી રહી છે અને આ સમયગાળો આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. બાડમેર ઉપરાંત ફલોદીમાં 46.4 ડિગ્રી સેલ્સિયસ, પિલાની (ઝુનઝુનુ)માં 46.3 ડિગ્રી સેલ્સિયસ, જાલોર, જેસલમેર, કરૌલીમાં 46.2 ડિગ્રી સેલ્સિયસ અને કોટા, ચુરુ અને બિકનેરમાં 45.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે દિલ્હીની સાથે સાથે સાથે રાજસ્થાનમાં પણ કેટલાક ભાગોમાં 47 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી જશે.


ચંડીગઢમાં વધ્યુ તાપમાન
હરિયાણા અને પંજાબમાં ફૂંકાતા ગરમ પવનોને કારણે ચંદીગઢમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીંનું તાપમાન સામાન્ય તાપમાન કરતાં છ ડિગ્રી વધુ હતું.


'રાહત મળવાની કોઇ આશા નથી'
IMDએ કહ્યું, 'દિલ્હી-NCRમાં ગરમીની અસર સતત જોવા મળી રહી છે. રાજસ્થાનમાંથી સૂકા પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. સ્વચ્છ આકાશને કારણે ગરમી ઝડપથી વધી રહી છે. બુધવાર સુધી વાતાવરણ આવુ જ રહેશે. હાલમાં તાત્કાલિક રાહતની કોઈ આશા નથી.