Atishi on BJP MLAs' infighting: દિલ્હીના કાર્યવાહક મુખ્યમંત્રી આતિશીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર ગંભીર આરોપો લગાવ્યા છે. શુક્રવારે પત્રકાર પરિષદ સંબોધતા આતિશીએ દાવો કર્યો હતો કે ભાજપ સરકારમાં મંત્રી પદ મેળવવા માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે અને પાર્ટીએ ચૂંટણી પહેલા કરેલા વચનો પૂરા કરવાનો કોઈ ઇરાદો નથી. આતિશીએ કહ્યું કે, "ભાજપે દિલ્હીની મહિલાઓને દર મહિને ₹2500 આપવાની ગેરંટી આપી હતી, પરંતુ હવે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભાજપ આ વચન પૂરું નહીં કરે."

આતિશીએ વધુમાં જણાવ્યું કે, "ભાજપની અંદર મંત્રી પદ માટે ધારાસભ્યો વચ્ચે હોડ લાગી છે. દરેક વ્યક્તિ કયો વિભાગ મેળવીને કેટલું 'લૂંટી' શકે તેની ગણતરીમાં છે." આતિશીએ દાવો કર્યો કે ભાજપ એક યોજના બનાવી રહી છે જેના હેઠળ તેઓ ચૂંટણી વચનો પૂરા નહીં કરવા માટે આમ આદમી પાર્ટી (AAP) સરકારને જવાબદાર ઠેરવશે. ભાજપ એવું બહાનું કાઢશે કે દિલ્હી સરકાર પાસે પૈસા નથી અને આર્થિક તંગીના કારણે વચનો પૂરા કરી શકાય તેમ નથી.

દિલ્હી સરકારની આર્થિક સ્થિતિ પર બોલતા આતિશીએ જણાવ્યું કે AAP સરકારે છેલ્લા દસ વર્ષમાં દિલ્હીની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી છે. તેમણે આંકડા ટાંકતા કહ્યું કે 2013માં દિલ્હીનું બજેટ માત્ર ₹30,000 કરોડ હતું, જે 2024-25માં વધીને ₹77,000 કરોડ સુધી પહોંચી ગયું છે. આતિશીએ દાવો કર્યો કે દિલ્હી આજે પણ 'સરપ્લસ રાજ્ય' છે, એટલે કે રાજ્યની આવક તેના ખર્ચ કરતા વધારે છે, જ્યારે અન્ય રાજ્યો દેવાના ડુંગર નીચે દબાયેલા છે. તેમણે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારના સમયની લોન અને 3% વ્યાજ દરનો ઉલ્લેખ કરીને AAP સરકાર દ્વારા નાણાકીય વ્યવસ્થાપનમાં સુધારો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

મોહલ્લા ક્લિનિકના નામ બદલવાની ભાજપની કથિત યોજના પર પ્રહાર કરતા આતિશીએ કહ્યું કે, "ભાજપ સરકાર માત્ર નામ બદલવામાં જ રસ ધરાવે છે, કામ કરવામાં નહીં." તેમણે કટાક્ષમાં કહ્યું કે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ સરકાર દિલ્હીમાં કોઈ મોટા કામ કરવાની યોજના નથી ધરાવતી.

આતિશીએ માહિતી આપી કે ભાજપ સરકાર મહિલાઓને ₹2500 આપવાના વચન પર તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી શકે છે અને સંભવતઃ 8 માર્ચ સુધીમાં કોઈ નિર્ણય લઈ શકે છે. તેમણે ઉમેર્યું કે હવે જોવાનું એ રહે છે કે ભાજપ પ્રજા સાથે કરેલા વચનો પૂરા કરે છે કે કેમ. દિલ્હી સરકારના ટ્વિટર એકાઉન્ટનું નામ બદલવા અંગેના પ્રશ્ન પર આતિશીએ કહ્યું કે આ બાબત ટ્વિટરની માર્ગદર્શિકા પર આધાર રાખે છે અને ટ્વિટર યોગ્ય નિર્ણય લેશે.

આતિશીએ ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે AAP સરકાર હવે ભાજપને સત્તા સોંપી રહી છે અને તે જોવું રસપ્રદ રહેશે કે ભાજપ દિલ્હીના નાણાકીય વહીવટને કેવી રીતે સંભાળે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે AAP સરકારે દિલ્હીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને હવે ભાજપ પાસે તેમના વચનો પૂરા કરવાની તક છે.

આ પણ વાંચો....

નીતિશ કુમારનો દાવ કરી નાંખશે ભાજપ! NDAના જૂના સાથી પક્ષે બિહાર ચૂંટણી પહેલા આપી ચેતવણી