નવી દિલ્હી: આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને આજે એક મહિલાએ લગાવેલા હત્યાના આરોપ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાનો આરોપ છે કે, વિજળી કાપ મુદ્દાને ઉઠાવવા માટે જ્યારે તે ધારાસભ્યને ઘરે ગઈ હતી, ત્યારે તેમને કથિત રીતે મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. અમાનતુલ્લા પાર્ટીના દસમા ધારાસભ્ય છે જેમની ધરપકડ કરવામાં આવી છે. ખાનને પહેલા પૂછપરછ માટે પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેના એક દિવસ પહેલા એક પત્રકાર પરિષદમાં ખાને મહિલા પર પોલીસના ‘દબાણ’માં તેમની વિરુદ્ધ ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવ્યો હતો.
દક્ષિણ-પૂર્વી રેંજના સંયુક્ત પોલીસ આયુક્ત આર પી ઉપાધ્યાયે જણાવ્યું, “22 જુલાઈએ મહિલાએ સીઆરપીસીની કલમ 164 પ્રમાણે મજિસ્ટ્રેટની સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેને આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તે ધારાસભ્યના ઘરેથી પાછી ફરી રહી હતી ત્યારે એક વાહને તેને કચડવાનો પ્રયાસ કર્યો હતો અને અમાનતુલ્લા આ કારમાં બેઠેલા હતા.”
તેના અગાઉ, 19 જુલાઈએ મહિલાએ પોલીસમાં એક ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે, જામિયા નગરમાં આપ ધારાસભ્યના ઘર પર 10 જુલાઈએ એક યુવકે તેની સાથે છેડતી કરી અને ધમકી આપી કે આ મામલે રાજનીતિ કરવાનું બંધ નહીં કર્યું તો તેને જાનથી મારી નાખવામાં આવશે. તેના પછી આ મામલે એક ફરિયાદ નોંધાઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, મેજીસ્ટ્રેટની સામે તેમના નિવેદન પછી એફઆઈઆરમાં ધારા 308 જોડવામાં આવી છે. આ મામલે ઉપાધ્યાયે જણાવ્યું, “આ એક બિનજામીનપાત્ર આરોપ છે અને અમે ખાનની ધરપકડ કરી લીધી છે.”