Balbir Singh Seechewal AAP: આમ આદમી પાર્ટી (AAP) માં પડેલા મોટા ભંગાણ બાદ પંજાબના 7 માંથી 6 રાજ્યસભા સાંસદો એકસાથે ભાજપમાં જોડાઈ ગયા છે. રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ સહિતના 7 મોટા નેતાઓએ શુક્રવારે (24 એપ્રિલ, 2026) પક્ષપલટો કર્યો હતો. પરંતુ આટલા મોટા રાજકીય ભૂકંપ વચ્ચે પણ પંજાબના એકમાત્ર AAP સાંસદ એવા છે, જેમણે પાર્ટી સાથે છેડો ફાડ્યો નથી. આ નેતા એટલે પદ્મશ્રીથી સન્માનિત પર્યાવરણવિદ્ અને આધ્યાત્મિક ગુરુ બલબીર સિંહ સીચેવાલ. જલંધરના આ દિગ્ગજ નેતાએ રવિવારે (26 એપ્રિલ, 2026) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે બળવાખોર જૂથ દ્વારા તેમને પણ ફોન કરીને અને ચા પર બોલાવીને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

વિક્રમ સાહનીએ ફોન કરીને સહી કરવા કહ્યું હતું

Continues below advertisement
Continues below advertisement

સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા બલબીર સિંહ સીચેવાલે આખી ઘટના વર્ણવી હતી. તેમણે કહ્યું કે, "મને વિક્રમ સાહનીનો ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું કે અમે લોકો એક સ્વતંત્ર જૂથ બનાવી રહ્યા છીએ અને ઘણા લોકો પહેલેથી જ તેમાં જોડાઈ ગયા છે. તેમણે મને પણ એ કાગળ પર સહી કરવા કહ્યું, પણ મેં સીધી ના પાડી દીધી કારણ કે મને આમાં કોઈ રસ નહોતો." સીચેવાલે વધુમાં જણાવ્યું કે સાહનીએ તેમને એવો પણ વિશ્વાસ અપાવ્યો હતો કે યુનિવર્સિટી વાળા લોકો પણ આપણી સાથે જ છે. અહીં તેમનો ઈશારો લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના સ્થાપક અશોક કુમાર મિત્તલ તરફ હતો, જેઓ શુક્રવારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક સાથે ભાજપમાં જોડાયા ત્યારે હાજર હતા.

રાઘવ ચઢ્ઢાએ ક્યારેય અગાઉ ચા પર નહોતા બોલાવ્યા

સીચેવાલે રાઘવ ચઢ્ઢા સાથે થયેલી વાતચીતનો પણ રસપ્રદ કિસ્સો શેર કર્યો. તેમણે જણાવ્યું કે 16 થી 18 એપ્રિલ દરમિયાન જ્યારે સંસદનું સત્ર ચાલતું હતું, ત્યારે રાઘવ ચઢ્ઢાએ તેમને કહ્યું હતું કે, "બાબાજી, આવો આપણે ચા પીએ અને સાથે બેસીએ."

આના જવાબમાં સીચેવાલે હળવાશથી કહી દીધું કે, "તમે બધાએ તો ચા પી લીધી છે." સીચેવાલે કટાક્ષ કરતા એમ પણ કહ્યું કે અગાઉ રાઘવ ચઢ્ઢાએ તેમને ક્યારેય ચા માટે આમંત્રણ આપ્યું નહોતું, આ પહેલી વાર હતું એટલે એમને કંઈક રંધાઈ રહ્યું હોવાનો અણસાર આવી ગયો હતો. જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની સાથે સીધી રીતે પક્ષપલટા વિશે કોઈ ચર્ચા થઈ હતી? તો તેમણે સ્પષ્ટ ના પાડતા કહ્યું, "ના, મને કોઈએ સીધું એવું નહોતું કહ્યું અને જો કોઈ એવો દાવો કરે છે, તો તે ખોટું બોલી રહ્યા છે."