Amanatullah Khan News: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને બુધવારે કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે તેમની કસ્ટડીમાં વધારો કર્યો હતો. સીબીઆઈના સ્પેશ્યલ જજ વિકાસ ઢુલેએ અમાનતુલ્લા ખાનની રિમાન્ડ પાંચ દિવસ વધારી દીધી છે. એસીબીએ અમાનતુલ્લા ખાનના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. વક્ફ બોર્ડમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર બદલ AAP ધારાસભ્યની પોલીસે 16 સપ્ટેમ્બરે અટકાયત કરી હતી.






રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન એસીબીએ કહ્યું હતું કે તેમની અટકાયતના બે દિવસ સારવારમા પસાર થઇ ગયા. ઉત્તરાખંડમાં જે પ્રોપર્ટી બનાવવામાં આવી છે તેની પણ પૂછપરછ કરવી પડશે. એસીબીએ કોર્ટને જણાવ્યું હતું કે કેટલાક પૈસા દેશની બહાર પણ મોકલવામાં આવ્યા છે. એસીબીએ કહ્યું કે આવી ઘણી ડાયરીઓ છે જેમાં પૈસાની લેવડ-દેવડ વિશે કહેવામાં આવ્યું છે. એવું ન કહી શકાય કે અમાનતુલ્લા કૌશર ઈમામ સિદ્દીક ઉર્ફે લદ્દાનને ઓળખતો નથી.


ACBએ કહ્યું- 'અમારી પાસે પુરાવા છે કે...'


એસીબીએ જણાવ્યું હતું કે લદ્દાનની ધરપકડ કરવામાં આવી છે અને તે આવતીકાલ સુધીમાં દિલ્હી આવી જશે. એસીબીએ કહ્યું કે અમારી પાસે પુરાવા છે કે કેવી રીતે શાળાને દુકાનોમાં ફેરવી દેવામાં આવી અને પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા. એસીબીએ કોર્ટને કહ્યું કે અમે જે નામ લઈ રહ્યા છીએ તે ખોટા હોઈ શકે છે..અમે હકીકતો રજૂ કરી રહ્યા છીએ. જ્યાં સુધી તપાસ નહી થાય ત્યાં સુધી કાંઇ પણ બહાર નહી આવે.


આ અંગે અમાનતુલ્લા ખાનના વકીલે કહ્યું હતું કે આ કેસના એક આરોપી હામિદ અલીને સાકેત કોર્ટે જામીન આપ્યા છે, તો એસીબી આ વાત કોર્ટને કેમ નથી જણાવી રહી. બીજી તરફ એસીબીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કેટલાક પૈસા બહાર મોકલવામાં આવ્યા છે. એસીબીએ જણાવ્યું કે દુબઈમાં ઝીશાન હૈદર નામનો એક વ્યક્તિ છે જેને કરોડો રૂપિયા મોકલવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક પૈસા રાજકીય પક્ષને ગયા હતા, જેમાંથી પોસ્ટર અને પેમ્ફલેટ બનાવવામાં આવ્યા હતા.