Union Cabinet Meeting Decisions: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજીને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું કે, પીએમના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં આત્મનિર્ભર ભારતની કલ્પનાને પ્રોત્સાહન આપવા માટે 3 નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ ત્રણ મહત્વના નિર્ણય લેવાયાઃ
અનુરાગ ઠાકુરે કહ્યું કે, કેબિનેટે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા 'સૌર પીવી મોડ્યુલ ટ્રાન્સ-2' માટેની PLI યોજનાને મંજૂરી આપી છે. આ યોજના માટે 19,500 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે. તેમજ PLI સ્કીમ 14 ક્ષેત્રોમાં લાવવામાં આવી છે. આ યોજનાથી દેશમાં સોલાર પેનલના ઉત્પાદનને વેગ મળશે. તેમણે કહ્યું કે, બીજો નિર્ણય સેમી-કન્ડક્ટર અને ડિસ્પ્લેના ઉત્પાદન અંગેનો છે. સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પોલિસીને વધુ આકર્ષક બનાવવામાં આવી છે.
અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું કે, કેબિનેટે સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમમાં સુધારાને મંજૂરી આપી છે. ટેક્નોલોજી નોડ્સ તેમજ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ, પેકેજિંગ અને અન્ય સેમિકન્ડક્ટર સુવિધાઓ માટે 50% પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી 2 લાખ લોકોને પ્રત્યક્ષ અને 8 લાખ લોકોને પરોક્ષ રોજગારી મળશે.
રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ યોજના મંજૂર કરાઈઃ
અનુરાગ ઠાકુરે આગળ કહ્યું કે, કેબિનેટમાં લેવાયેલ ત્રીજો નિર્ણય રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અંગેનો છે, જેનું 17 સપ્ટેમ્બરે પીએમ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આ નીતિને મંજૂરી આપવામાં આવી છે. સરકાર લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રેન્કિંગમાં સુધારો કરવા અને 2030 સુધીમાં ટોચના 25 દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય ધરાવે છે. તમને જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બરે પીએમ મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીની રૂપરેખા રજૂ કરી હતી. આ યોજના દ્વારા, સમગ્ર દેશમાં ઉત્પાદન થતી વિવિધ પ્રકારની વસ્તુઓ અને માલ-સામાનની સરળતાથી હેરફેર થઈ શકે તે માટે પ્રોત્સાહન આપીને પરિવહન સાથે સંકળાયેલા ખર્ચમાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ યોજના બહાર પાડતી વખતે, પીએમ મોદીએ કહ્યું હતું કે, યોજનાનો ઉદ્દેશ્ય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના 13-14 ટકાના વર્તમાન સ્તરથી લોજિસ્ટિક્સ ખર્ચને 9 ટકાથી અંદરના અંકમાં લાવવાનો છે. લોજિસ્ટિક્સ પોલિસી હેઠળ, યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP) વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે જે વિવિધ સરકારી અને ખાનગી એજન્સીઓના ફેસિલિટેટર તરીકે કામ કરશે.