ABP Cvoter Opinion Poll 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા કરવામાં આવેલા એબીપી ન્યૂઝ સી-વોટરના ઓપિનિયન પોલમાં કેરળ કોંગ્રેસનો ગઢ બનતું જોવા મળી રહ્યું છે. ઓપિનિયન પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફ ગઠબંધન કેરળની તમામ 20 લોકસભા બેઠકો જીતી શકે છે. આવી સ્થિતિમાં એનડીએ ગઠબંધન માટે ખાતું ખોલાવવું મુશ્કેલ બનશે.


વોટ શેરની વાત કરીએ તો કોંગ્રેસ અને તેના સહયોગીઓને 45 ટકા વોટ મળી શકે છે. ડાબેરીઓને 31 ટકા અને ભાજપ+ને 20 ટકા મત મળવાની ધારણા છે. 4 ટકા મત અન્યના ખાતામાં જઈ શકે છે.


કોંગ્રેસને ફાયદો


કેરળમાં 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફએ 15 બેઠકો જીતી હતી અને ગઠબંધનને 2014ની સરખામણીમાં 7 બેઠકોનો ફાયદો થયો હતો. આ વખતે પણ યુડીએફને ફાયદો થતો જણાય છે.


ભારતીય જનતા પાર્ટી કેરળમાં અત્યાર સુધી એકપણ લોકસભા સીટ જીતી શકી નથી. જો કે આ વખતે ભાજપ જનસેનાની મદદથી ચાર બેઠકો જીતવાનો પ્રયાસ કરશે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી અહીં મોટા ચહેરાઓને સામેલ કર્યા છે. આ કારણે પાર્ટીનો વોટ શેર પણ વધ્યો છે, પરંતુ તે સીટ જીતવામાં સફળ રહી નથી.


રાહુલની સીટ પર ડાબેરી ઉમેદવાર


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ કેરળથી ચૂંટણી લડી રહ્યા છે. 2019 માં, તેમણે વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને મોટા માર્જિનથી જીત મેળવી હતી. આ વખતે પણ તેમને આ જ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જોકે, અન્ય રાજ્યોમાં કોંગ્રેસ સાથે ચૂંટણી લડી રહેલા ડાબેરી પક્ષો કેરળમાં કોંગ્રેસની વિરુદ્ધ છે. વાયનાડ સીટ પર ડાબેરી તરફથી એક મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે કોંગ્રેસને નુકસાન થઈ શકે છે.


7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે  8 માર્ચે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.પ્રથમ યાદી મુજબ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


 


Disclaimer- લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સી વોટરે એબીપી ન્યૂઝ માટે દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ કરાવ્યો છે. આ સર્વેમાં 41 હજાર 762 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વે 1 ફેબ્રુઆરીથી 10 માર્ચ વચ્ચે લોકસભાની તમામ 543 બેઠકો પર કરવામાં આવ્યો હતો. સર્વેના આંકડા 3-5 ટકા ઓછા કે વધુ હોઈ શકે છે.