પટનાઃ ભારતીય જનતા પાર્ટીમાંથી હાંકી કઢાયેલા નેતા દયાશંકરસિંહની બક્સરમાંથી ધરપકડ કરવામાં આવી છે. બક્સરના ચીની મિલ એરિયામાંથી દયાશંકરસિંહને યુપી એસટીએફ અને બિહાર પોલીસની ટીમે ધરપકડ કરી હતી. ઘરપકડ બાદ યુપી પોલીસ તેને લખનઉ લઇ ગઇ હતી.
આ પહેલ એવા સમાચાર વહેતા થયા હતા કે, ધરપકડ રોકવા માટેની અરજી નામંજુર થયા બાદ તે આત્મસમર્પણ કરી શકે છે. ત્યાર બાદ પોલીસે તેની ઘરપકડ કરવા માટે પ્રક્રિયા ઝડપી બનાવી હતી. આ મામલાની આગામી સુનવણી 8 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ દયાશંકર વિરુદ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એસસી-એસટી અધિનિયમ મુજબ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદથી દયાશંકર ફરાર હતા. પોલીસ તેની તપાસ કરી રહી હતી. આ મામલે દયાશંકરની પત્ની સ્વાતી સિંહે પણ માયાવતી અને બસપા નેતા નસીમુદ્દીન વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી.