રાષ્ટ્રીય લઘુમતી આયોગના કાર્યકારી અધ્યક્ષ સૈયદ શહેઝાદીએ શુક્રવારે શ્રીમદ્દ ભગવદ્દગીતા અંગે મોટું નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું કે ભગવદ્ ગીતા કોઈ ધાર્મિક ગ્રંથ નથી, પણ આ તત્વજ્ઞાન  પર આધારિત ગ્રંથ  છે. થોડા દિવસો પહેલા ગુજરાત સરકારે ગીતાને શાળાના અભ્યાસક્રમનો ભાગ બનાવવાની જાહેરાત કરી હતી.


ગુજરાત સરકારે ગયા અઠવાડિયે રાજ્યની વિધાનસભામાં જાહેરાત કરી હતી કે શૈક્ષણિક વર્ષ 2022-23 થી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12  સુધીના અભ્યાસક્રમમાં ભગવદ્દગીતાનો સમાવેશ કરવામાં આવશે. થોડા દિવસો બાદ કર્ણાટક સરકારે પણ આવું જ વલણ દર્શાવ્યું હતું.


શાળાના અભ્યાસક્રમમાં ભગવદ્દગીતાને સામેલ કરવાના નિર્ણય પર શહેઝાદીએ કહ્યું કે મારો અંગત મત છે કે ગીતા કોઈ ધાર્મિક પુસ્તક નથી, તે તત્વજ્ઞાનનું પુસ્તક છે. તેમણે કહ્યું, “તેને તત્વજ્ઞાનના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. એટલું જ નહીં વિદેશોમાં પણ તેના પર અભ્યાસ થઈ રહ્યો છે.”


કુરાન અથવા અન્ય ધાર્મિક પુસ્તકોને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી રહ્યાં નથી તેવા પ્રશ્નના જવાબમાં શહેઝાદીએ કહ્યું કે અમે કોઈને રોકી રહ્યાં નથી. અમે ઇચ્છીએ છીએ કે લોકો એકબીજાના ધર્મ પ્રત્યે આદરની મજબૂત ભાવના રાખે. અમે ઈચ્છીએ છીએ કે તમામ ધર્મોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે.


શહેઝાદીએ કહ્યું, “મારા અંગત મતે, અમે કોઈને ભગવદ્દગીતા કે કુરાન વાંચવાનું કહ્યું નથી. વ્યક્તિ શું વાંચવા માંગે છે તે તેની ઈચ્છા પર આધાર રાખે છે. આપણે ગીતાને ફિલસૂફીના દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ, તે એવી વસ્તુ છે જે આપણા દેશ અને તેની ઓળખ સાથે જોડાયેલી છે.”


હિજાબ મુદ્દે શહેઝાદીએ કહ્યું કે દેશ તમારી કે મારી લાગણીઓ પર નથી ચાલતો. દેશ બંધારણના આધારે ચાલે છે. કોર્ટે આદેશ જાહેર કર્યો છે અને આપણે  તેનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે આ કોર્ટનો નિર્ણય છે અને તેને સ્વીકારવો જોઈએ.