Bollywood Actress : બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદનને ટ્વીટ કરીને કથિત ટેક્સ પર સેનાની મજાક ઉડાવવા બદલ વિવાદમાં સપડાઈ છે. અભિનેત્રીના ટ્વીટ પર તેની ટીકા થઈ રહી છે. ભાજપે રિચા વિરૂદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ ભારતીય સેના પર પોતાના ટ્વિટ બદલ માફી માંગી છે. તેણે પોતાનું એ વિવાદાસ્પદ ટ્વિટ પણ ડિલીટ કરી દીધું છે જેના પર સેનાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો.


ભારતીય જનતા પાર્ટીના નેતા મનજિન્દર સિંહ સિરસાએ મુંબઈ પોલીસને રિચા ચઢ્ઢા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે, સાથે જ તેને ત્રીજા ધોરણની કલાકાર, કોંગ્રેસ સમર્થક અને રાહુલ ગાંધીની ઉપાસક ગણાવી છે.


રિચા ચઢ્ઢાની માફી


અભિનેત્રી રિચા ચઢ્ઢાએ નવા ટ્વિટમાં માફી માંગી છે અને એ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે, સૈન્ય પ્રત્યે સહાનુભૂતિ તેના લોહીમાં છે કારણ કે દાદા આર્મીમાં હતા અને મામા પેરાટ્રૂપર હતા. રિચા ચઢ્ઢાએ ટ્વિટર પર પોતાની માફી માગતા લખ્યું હતું કે, "મેં વિચાર્યું કે જે ત્રણ શબ્દોને વિવાદમાં ઘસડ્યા તેના દ્વારા મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો કે દુઃખ પહોંચાડવાનો ન હોઈ શકે. હું માફી માંગુ છું અને એ પણ કહું છું કે જો મારા શબ્દોથી જાણ્યે અજાણ્યે મારા સૈન્યથી મારા સૈનિક ભાઈઓમાં એ લાગણી ઉભી થઈ હોય, જનો મારા પોતાના દાદાજી એક શાનદાર હિસ્સોરહ્યાં છે તો મને દુ:ખ થશે. 1960ના દાયકામાં ચીન-ભારત યુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ કર્નલ તરીકે તેમને પગમાં ગોળી વાગી હતી. મારા મામા પેરાટ્રૂપર હતા. તે મારા લોહીમાં છે.


અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું


અભિનેત્રી ચઢ્ઢાએ આગળ લખ્યું હતું કે, જ્યારે આપણા જેવા લોકોથી બનેલા રાષ્ટ્રને બચાવવા માટે કોઈનો પુત્ર શહીદ થાય છે અથવા ઘાયલ થાય છે, ત્યારે આખા પરિવાર પર અસર થાય છે અને હું અંગત રીતે જાણું છું કે તે કેવું હોય છે. આ બાબત મારા માટે એક ભાવનાત્મક મુદ્દો છે.


અભિનેત્રીનું ટ્વિટ


બાબા બનારસ નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ શેર કરતા અભિનેત્રી રિચા ચઢ્ઢાએ લખ્યું હતું કે, "ગલવાન હાય કહે છે." જે ટ્વિટને તેણે શેર કર્યું છે તેમાં ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “અમે પાકિસ્તાન પાસેથી PoK પાછું લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં ઓપરેશન પૂર્ણ કરીશું. જો પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે તો તેનો જવાબ કંઈક ઓર જ હશે જેની તેઓ કલ્પના પણ ના કરી શકે.


મનજિંદર સિંહ સિરસાએ અભિનેત્રીને લીધી આડેહાથ  


બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ ચઢ્ઢાનું ટ્વિટ શેરી અને લખ્યું હતું કે, “શરમજનક ટ્વીટ. તેને શક્ય તેટલી વહેલી તકે પાછી ખેંચી લેવી જોઈએ. આપણા સશસ્ત્ર દળોનું અપમાન યોગ્ય નથી." ત્યાર બાદ સિરસાએ એક વીડિયો ટ્વીટ કરીને રિચા ચઢ્ઢા પર નિશાન તાક્યું હતું. બીજેપી નેતા સિરસાએ વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, "રિચા ચઢ્ઢા બોલિવૂડની થર્ડ ગ્રેડની કલાકાર છે અને તે હંમેશા ભારત વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કરવામાં સૌથી મોખરે હોય છે અને કોંગ્રેસની સમર્થક છે, રાહુલ ગાંધીની ઉપાસક છે. રિચા ચઢ્ઢાએ ફરી એક વખત ભારતીય સેનાને અપમાનિત કરવાનું કામ કર્યું છે.


સિરસાએ વધુમાં કહ્યું હતું કે, "જ્યારે સેનાના ઉત્તરી કમાન્ડરને પૂછવામાં આવ્યું કે PoKને લઈને તમારી રણનીતિ શું છે? ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે, જ્યારે પણ અમને આદેશ મળશે અમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર હુમલો કરી તેને ભારત સાથે ભેળવી દઈશું. પરંતુ રિચા ચઢ્ઢા ભારતીય સેનાનું અપમાન કરે છે, તેમની મજાક કરે અને કહે કે ગલવાનને યાદ કરો. ગલવાન પણ ભારતનો ગૌરવમયી ઈતિહાસ છે. અમારા 20 સૈનિકો ચોક્કસપણે શહીદ થયા હતા પરંતુ અમે ચીનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને તેમાંથી એક શીખ સૈનિકે માત્ર પોતાના હાથે જ ચીની સેનાના ડઝનથી વધુ લોકોને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તમે આવા શહીદોને લઈને અપમાનજનક ટિપ્પણી કરો છો, ભારતીય સેના વિશે અપમાનજનક ટિપ્પણી કરો છો?. હું મુંબઈ પોલીસને કહેવા માંગુ છું કે, તે રિચા ચઢ્ઢા સામે તાત્કાલિક પગલાં ભરે. 


લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શું કહ્યું?


22 નવેમ્બરે આર્મીના ચીફે ઓફ નોર્ધન કમાન્ડના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને જ્યારે PoKને લઈને સવાલ કર્યો તો તેમણે કહ્યું હતું કે, "આ વિષય પર પહેલાથી જ સંસદીય સંકલ્પ યથાવત છે, માટે કંઈ નવું નથી. આ બાબત સંસદીય ઠરાવનો ભાગ છે. જ્યાં સુધી ભારતીય સેનાનો સવાલ છે, ભારતીય સેના સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈપણ આદેશનું પાલન કરશે અને જ્યારે પણ આવા આદેશ આપવામાં આવશે  અમે તેના માટે હંમેશા તૈયાર છીએ.