Supreme Court: ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં વધુ પારદર્શિતા લાવવા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકની ફાઇલ જોઈ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને વેધક સવાલ પૂછ્યો હતો. કેન્દ્ર સરકારે અરુણ ગોયલની ચૂંટણી કમિશનરના પદ પર નિમણૂકની પ્રક્રિયા સાથે સંબંધિત ફાઇલ બંધારણીય બેંચને સોંપી છે. સરકારે કહ્યું હતું કે, નિમણૂકની મૂળ ફાઇલની નકલો પાંચ જજોને આપવામાં આવી છે. 


કોર્ટે કેન્દ્રને વેધક સવાલ કરતા પૂછ્યું હતું કે, આ જગ્યા 15 મેથી ખાલી હતી તો પછી અચાનક 24 કલાકથી પણ ઓછા સમયમાં નામ મોકલવાથી લઈને મંજૂરી સુધીની આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. તો 15 મેથી 18 નવેમ્બરની વચ્ચે શું થયું?


કોર્ટે વધુમાં કહ્યું હતું કે, કાયદા મંત્રીએ 4 નામ મોકલ્યા... હવે સવાલ એ પણ છે કે આ જ 4 નામ શા માટે મોકલવામાં આવ્યા? અને તેમાંથી સૌથી જુનિયર અધિકારીને કેવી રીતે પસંદ કરવામાં આવ્યા? નિવૃત્ત થવા જઈ રહેલા અધિકારીએ આ પદ સ્વિકારતા પહેલા VRS લઈ લીધું. જ્યારે સરકારનો પક્ષ રજુ કરી રહેલા એટર્ની જનરલે કહ્યું હતું કે, આખી પ્રક્રિયામાં કંઈ ખોટું થયું નથી. અગાઉ પણ 12 થી 24 કલાકમાં નિમણૂંકો કરવામાં આવી છે.


'અમે માત્ર પ્રક્રિયાને સમજવા માંગીએ છીએ'


ન્યાયાધીશ એટર્ની જનરલના જવાબ સાથે અસંમત દેખાયા. તેમણે આગળ કહ્યું હતું કે, અમે માત્ર પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એવું ન વિચારો કે અદાલતે તમારી વિરુદ્ધ મન બનાવી લીધું છે. હજી પણ જે લોકોની પસંદગી કરવામાં આવી રહી છે તેઓ 6 વર્ષ સુધી CECના પદ પર રહી શકતા નથી. જેના પર એટર્ની જનરલે કહ્યું હતું કે, નામ લેતી વખતે વરિષ્ઠતા, નિવૃત્તિ, ઉંમર વગેરેને જોવામાં આવે છે. આ માટે આખી વ્યવસ્થા છે. આ કંઈ એમ જ નથી થઈ જતું. સલાવ એ છે કે શું કાર્યપાલિકાની નાની વસ્તુઓની પણ સમીક્ષા અહીં થશે?


ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સામસામે છે. અરુણ ગોયલની નિમણૂને લઈને સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી કેન્દ્રને વેધક સવાલ કર્યા હતાં. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન બેન્ચે નિમણૂકની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ અજય રસ્તોગીએ આટલી ઝડપી ફાઈલ આગળ વધારવા અને આટલી ઝડપથી નિમણૂંકો કરવા પર સવાલો પૂછ્યા હતાં. તેમણે સવાલ કર્યો હતો કે, 24 કલાકમાં તપાસ કેવી રીતે કરી નાખવામાં આવી? જેના પર એટર્ની જનરલે કહ્યું હતું કે, તેઓ દરેક વાતનો જવાબ આપશે પરંતુ કોર્ટ તેમને બોલવાની તક તો આપે. આ દરમિયાન એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું હતું કે, કાયદા અને ન્યાય મંત્રાલય પોતે સંભવિત ઉમેદવારોની યાદી બનાવે છે, તોપછી તેમાંથી સૌથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. જેમાં વડાપ્રધાનની પણ ભૂમિકા હોય છે. 


જો કોઈ ખામી હોય તો તેમાં સુધારો કરવો હિતાવહ છે


જસ્ટિસ કેએમ જોસેફ બાદ અજય રસ્તોગીએ પણ ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તમે તેની તુલના ન્યાયતંત્ર સાથે કરી છે. ન્યાયતંત્રમાં પણ નિમણૂક પ્રક્રિયામાં ફેરફારો થયા હતા. જો પ્રવર્તમાન પ્રણાલીમાં ખામી હોય તો તેમાં સુધારો અને બદલાવ આવવાનો જ છે. જે સરકાર ન્યાયાધીશો અને સીજેઆઈની નિમણૂક કરતી હતી તે પણ મહાન ન્યાયાધીશો બની ગઈ. પરંતુ પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ચિહ્નો હતા. પ્રક્રિયા બદલાઈ ગઈ છે.


સુનાવણી શરૂ થયાના ત્રણ દિવસમાં નિમણૂક? 


સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની ચૂંટણી કમિશ્નર પદે થયેલી પસંદગી સંબંધિત મૂળ ફાઇલને કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, તે જાણવા માંગે છે કે તેમની નિમણૂકમાં કોઈ ગોલમાલ તો નથી થઈ ને? મતલબ કે આ નિમણૂકમાં કોઈ ગરબડ થઈ નથી ને. કોર્ટે ગત સુનાવણીમાં પણ ટિપ્પણી કરી હતી કે, સુનાવણી શરૂ થયાના માત્ર ત્રણ જ દિવસમાં નિમણૂક કરે દેવામાં આવી હતી. નિમણૂક પ્રક્રિયા સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કર્યા બાદ આ નિમણૂક કરવામાં આવી છે.


બેન્ચે કહ્યું હતું કે, અમે માત્ર એ જાણવા માંગીએ છીએ કે નિમણૂક માટે કઈ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી? જો આ નિમણૂક કાયદાકીય રીતે સાચી હોય તો ગભરાવાની જરૂર શું છે? કોર્ટમાં સુનાવણી દરમિયાન આ નિમણૂક ના થઈ હોત તો યોગ્ય હતું.