Assam Investment Summit: આસામમાં મંગળવારે બે દિવસીય બિઝનેસ સમિટની શરૂઆત થઇ હતી.  અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટને સંબોધિત કર્યું હતું. ગૌતમ અદાણીએ કહ્યું કે જ્યારે પણ તેઓ પીએમ મોદીને મળે છે ત્યારે તેમને પ્રેરણા મળે છે. ગઈકાલે તેમણે મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ દરમિયાન ભોપાલમાં પીએમ મોદીને સાંભળ્યા હતા.

ગૌતમ અદાણીએ સમિટમાં કહ્યું કે પીએમ મોદીનું આ વિઝન 2003માં ગુજરાતથી શરૂ થયું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પીએમ મોદીનું વિઝન સ્પષ્ટપણે દેખાયું. એક નાનકડી ચિનગારી આજે એક રાષ્ટ્રીય આંદોલન બની ગઈ છે. તેણે દેશના તમામ રાજ્યોને પ્રેરણા આપી હતી. બધા રાજ્યોએ રોકાણ અને આર્થિક પરિવર્તનની શક્તિ અપનાવી હતી.  છેલ્લા બે દાયકામાં થયેલા રોકાણકારોના સમિટે તેમની સાચી મહત્વાકાંક્ષાઓ છતી કરી છે.

અદાણી ગ્રુપ આસામમાં 50,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

અદાણી ગ્રુપના ચેરમેને આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી અને આસામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું વચન આપ્યું. આ રોકાણ એરપોર્ટ, એરોસિટી, સિટી ગેસ અને રોડ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને હજારો રોજગારીની તકોનું સર્જન કરશે.

ગૌતમ અદાણીએ પોતાના ભાષણમાં કહ્યું, 'આ યાત્રા 2003માં ગુજરાતથી શરૂ થઇ હતી. જે એક નાનકડી ચિનગારી હતી તે આજે એક રાષ્ટ્રીય આંદોલન બની ગઈ છે. તેમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં આવી ઇન્વેસ્ટમેન્ટ સમિટે તેમની અપેક્ષાઓ કરતાં ઘણી વધારે સફળતા મેળવી છે. તેમણે કહ્યું, 'અમે આસામને દેશના સૌથી ઝડપથી વિકાસશીલ રાજ્યોમાંનું એક બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.'

ગૌતમ અદાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિઝનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, 'દેશમાં માળખાગત સુવિધાઓનો વિકાસ વડાપ્રધાન મોદીના પ્રેરણાદાયી નેતૃત્વનું પરિણામ છે.' તેમના વિઝનથી પ્રેરિત થઈને અદાણી ગ્રુપ તેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આસામના વિકાસમાં ભાગ લેશે.

અદાણી ગ્રુપનું રોકાણ આસામમાં માળખાગત સુવિધાઓના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ રોકાણ હેઠળ મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી શકાય છે. એરપોર્ટનું વિસ્તરણ અને આધુનિક એરોસિટીનું નિર્માણ, સિટી ગેસ નેટવર્કમાંથી સ્વચ્છ ઊર્જાનો પુરવઠો,  રોડ પ્રોજેક્ટ્સ દ્વારા રાજ્યના પરિવહન નેટવર્કને મજબૂત બનાવવું વગેરે છે.

આસામના આર્થિક વિકાસમાં યોગદાન

અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આ રોકાણ આસામની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. સાથે હજારો લોકો માટે નવી રોજગાર અને વ્યવસાયની તકોનું પણ સર્જન કરશે. અદાણી ગ્રુપનું આ રોકાણ આસામના ઔદ્યોગિક અને માળખાગત વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે, જેનાથી રાજ્યનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે. અદાણી ગ્રુપની આ જાહેરાતને રાજ્યના વિકાસ માટે એક ઐતિહાસિક પગલું ગણાવવામાં આવી રહ્યું છે.