Adani Hindenburg Case: હિંડનબર્ગ-અદાણી ઘટનાક્રમ બાદ નિયમનકારી પ્રણાલીને મજબૂત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિને કેન્દ્ર સરકારે સોમવારે સંમતિ આપી હતી. જો કે, સરકારે કોર્ટને કહ્યું હતું કે, પેનલનું રિમિટ ખૂબ જ ચોક્કસ હોવું જોઈએ જેથી તે રોકાણ અને નાણાંના પ્રવાહને અસર ન કરે. અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 17 ફેબ્રુઆરીએ થશે. આજે હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેને શેરબજારની કામગીરી સુધારવા માટે સમિતિની રચના કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ વિદેશી રોકાણને અસર ન થવી જોઈએ તેનું ધ્યાન રાખવું પડશે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને તેના સૂચનો સીલબંધ કવરમાં સમિતિના સભ્યોને સુપરત કરવાની મંજૂરી આપી હતી. ગત સુનાવણીમાં કોર્ટે રોકાણકારોના પૈસા ડૂબવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે લોકોને ભવિષ્યમાં આવા નુકસાનથી બચાવવા માટે સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર હોવાની આકરી ટકોર કરી હતી.
કેન્દ્ર સરકાર અને સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, સેબી અને અન્ય નિયમનકારી સંસ્થાઓ આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે, પરંતુ જો કોર્ટ તેના વતી એક સમિતિની રચના કરે તો સરકારને કોઈ વાંધો નથી. કોર્ટે કેન્દ્રને શુક્રવાર સુધીમાં જણાવવા કહ્યું છે કે સમિતિમાં કોને સામેલ કરી શકાય છે. સરકારે બુધવાર સુધીમાં સીલબંધ કવરમાં જવાબ આપવાનો રહેશે. આ મામલે હવે શુક્રવારે સુનાવણી થશે. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવશે તે હાલની રેગ્યુલેટરી સિસ્ટમને કેવી રીતે સુધારવી તે અંગે સૂચન કરશે.
તેમણે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માર્કેટ રેગ્યુલેટર અને અન્ય વૈધાનિક સંસ્થાઓ તૈયાર છે. મહેતાએ આશંકા વ્યક્ત કરી હતી કે, પેનલની સ્થાપના અંગેનો કોઈપણ "અજાવ્યા" સંદેશની ધન પ્રવાહ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
ગત સુનાવણીમાં શું થયું હતું?
અગાઉ, અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી 10 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચમાં થઈ હતી. આ દરમિયાન, કોર્ટે સંકેત આપ્યો છે કે તે સૂચનો આપવા માટે નિષ્ણાત સમિતિની રચના કરી શકે છે.
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, શોર્ટ સેલિંગને કારણે બજારને કોઈ પણ સમયે ખરાબ અસર થઈ નથી. જેના કારણે રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, શેરબજારમાં માત્ર ધનિક લોકો જ પૈસા રોકે એવું નથી. માર્કેટમાં મધ્યમ વર્ગના લોકો પણ પૈસા રોકે છે. જેથી જ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે. કોર્ટે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ બજારના ઘટાડાના કારણો વિશે પણ માહિતી માંગી હતી. સાથો સાથ એ પણ સવાલ કર્યો હતો કે, પરિસ્થિતિ સુધારવા માટે શું પગલાં લેવામાં આવ્યા?