Kerala Anti Port Protest:  કેરળમાં અદાણી સી પોર્ટના નિર્માણના વિરોધમાં વિરોધીઓએ રવિવારે વિઝિંજામ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 29 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને પોલીસના અનેક વાહનોને નુકસાન થયું હતું. કેરળ પોલીસના જણાવ્યા અનુસાર, ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો.






વાસ્તવમાં 26 નવેમ્બરે હિંસક વિરોધના સંબંધમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને અન્ય ઘણા લોકોની અટકાયત કરી હતી. પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 29 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને તેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળ સરકારે વધુ પોલીસ અધિકારીઓ તૈનાત કર્યા છે.


વિરોધીઓએ સ્થાનિક ચેનલ 'ACV'ના કેમેરામેન પર પણ હુમલો કર્યો હતો અને તેના કેમેરાને નુકસાન પહોંચાડ્યું હતું અને તેનો મોબાઈલ છીનવી લીધો હતો. તેમને તિરુવનંતપુરમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન, જિલ્લા વહીવટીતંત્રે ચર્ચ અધિકારીઓ સાથે શાંતિ વાટાઘાટો શરૂ કરી છે. તેના પ્રતિનિધિ ફાધર ઇ. પરેરાએ કહ્યું હતું કે ચર્ચ શાંતિ જાળવી રાખવા માંગે છે.


તેમણે મીડિયાને કહ્યું હતું કે અમે વિરોધીઓ સાથે વાત કરીશું. હું અહીં શાંતિપૂર્ણ રીતે મામલો ઉકેલવા આવ્યો છું. અગાઉના દિવસે પોલીસે શનિવારે વિઝિંજામમાં હિંસા સંદર્ભે શહેરના આર્કબિશપ થોમસ જે નેટો અને પરેરા સહિત ઓછામાં ઓછા 15 લેટિન કેથોલિક પાદરીઓ વિરુદ્ધ FIR દાખલ કરી હતી.


ADGએ કહ્યું, "છેલ્લા 120 દિવસથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પરંતુ રવિવારે ટોળાએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેરળ સરકારે વધુ પોલીસ અધિકારીઓ તૈનાત કર્યા છે.