વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોરોના વેક્સિનેશનનો શુભારંભ કરાવ્યો છે. આ સાથે PM મોદીએ લોકોને અપીલ કરી છે કે, વેક્સિન પર ફેલાઇ રહેલી અફવા અને ભ્રમ પર ધ્યાન ન આપવું. આ સાથે પીએમ મોદીએ કોરોનાથી બચવા માટે ફરી એક મંત્ર આપ્યું છે. “ દવાઇ ભી કડાઇ ભી” તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન બાદ પણ માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું જરૂરી છે.
અદાર પૂનાવાલાએ લગાવી કોરોના વેક્સિન

સીરમ ઇન્સ્ટૂટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. વેક્સિનેશનની ખુશીને તેમણે સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. અદારે પીએમ મોદીની પ્રશંસા કરતા વેક્સિનેશન માટે સમગ્ર ભારતને શુભકામના પાઠવી છે.


સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ખુશી

અદારે વેક્સિન લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા અદારે લખ્યું છે કે, “હું ભારત અને શ્રી નરેન્દ્ર મોદીજીને દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ કરવા માટે શુભકામના પાઠવું છું. મારા માટે આ ગર્વની વાત છે કે, #COVISHIELD આ ઐતિહાસિક પ્રયાસમાં મારૂં યોગદાન છે.

દુનિયામાં 100થી પણ વધુ એવા દેશ છે. જેની જનસંખ્યા 3 કરોડથી ઓછી છે. જ્યારે ભારત તેના પહેલા તબક્કામાં જ 3 કરોડ લોકોને વેક્સિન આપી રહ્યું છે. ઉપરાંત વિદેશની તુલનામાં ભારતને મળનાર વેક્સિન ખૂબ જ સસ્તી છે.