સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા શુક્રવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસ નેતાના સંસદ સભ્યપદ અને ચૂંટણી લડવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. કોંગ્રેસે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને તેને સત્યની જીત ગણાવી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળવા માટે સમય માંગ્યો હતો જેથી કરીને તેઓ સુપ્રીમ કોર્ટનો આદેશની કોપી તેમને સોંપી શકે.






કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને વિનંતી કરી કે તેઓ જલ્દીથી રાહુલ ગાંધીની સદસ્યતા ફરીથી આપી દે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળવી એ સત્યની જીત છે. અમે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલે. અમને ડર છે કે સરકાર અડચણો ઊભી કરી શકે છે, તેથી લોકસભા અધ્યક્ષ રાહુલ ગાંધીની અયોગ્યતા રદ્દ કરવામાં વિલંબ ના કરે. કોંગ્રેસ ઈચ્છે છે કે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા જલ્દી મળી જાય અને તેઓ આવતા સપ્તાહે સંસદના સત્રમાં ભાગ લે. નોંધનીય છે કે ચોમાસુ સત્ર 11 ઓગસ્ટ સુધી ચાલશે.


મોદી સરનેમ અંગેની તેમની ટિપ્પણીના સંબંધમાં 2019માં દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી. આ સાથે રાહુલ ગાંધીને તેમનું લોકસભાનું પદ ફરીથી મળી જશે. કોર્ટે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે ટિપ્પણી યોગ્ય નથી અને જાહેર જીવનમાં ભાષણ કરતી વખતે વ્યક્તિ સાવચેતી રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.


કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટના આદેશની અસરો વ્યાપક છે. આનાથી માત્ર રાહુલ ગાંધીના જાહેર જીવનમાં રહેવાનો અધિકાર પ્રભાવિત થયો પરંતુ તેમને ચૂંટનારા મતદારોના અધિકાર પર પણ અસર પડી હતી. નીચલી અદાલતના ન્યાયાધીશ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી, આવી સ્થિતિમાં અંતિમ નિર્ણય સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મુકવાની જરૂર છે.


આ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 23 માર્ચે ગુજરાતની સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેમને સંસદના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 13 એપ્રિલ 2019 ના રોજ, કોંગ્રેસ નેતાએ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી સભામાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી.


કોર્ટના આ નિર્ણય પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગમે તે થાય, મારી ફરજ એ જ રહેશે. ભારતના વિચારને બચાવવા માટેની. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે સત્યની જીત થાય છે, પણ ગમે તે થાય મારો રસ્તો સ્પષટ છે. મારે શું કરવું છે, મારું કામ શું છે તે અંગે મારા મનમાં સ્પષ્ટતા છે. જેમણે અમને મદદ કરી અને લોકોએ જે પ્રેમ અને સાથ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.


કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે ત્રણ વસ્તુઓ લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી - સૂર્ય, ચંદ્ર અને સત્ય. ન્યાયી ચુકાદો આપવા માટે સુપ્રીમ કોર્ટનો આભાર, સત્યમેવ જયતે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોર્ટનો નિર્ણય સત્ય અને ન્યાયની મજબૂત પ્રતિજ્ઞા છે. ભાજપ તંત્રના અવિરત પ્રયાસો છતાં રાહુલ ગાંધીએ ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ મૂકવાનું પસંદ કરીને ઝૂકવાનો ઇનકાર કર્યો છે.


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધીને ઘેરવાના બીજેપીના કાવતરાનો પર્દાફાશ થઈ ગયો છે, તેઓએ વિપક્ષી નેતાઓને દુર્ભાવનાપૂર્ણ રીતે નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ. સત્યની જીત થઈ, ન્યાયની જીત થઈ, લોકશાહીની જીત થઈ. હવે સમય આવી ગયો છે કે ભાજપે જનતાએ આપેલા જનાદેશનું સન્માન કરવાનું શરૂ કરવું જોઈએ.