ISRO On Chandrayaan-3: ચંદ્રયાન-3 અવકાશયાન 14 જૂલાઈના રોજ લોન્ચ થયા પછી ચંદ્રનું લગભગ બે તૃતીયાંશ અંતર કાપી ચૂક્યું છે. ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા શુક્રવારે (4 ઓગસ્ટ) આ જાણકારી આપવામાં આવી હતી.






ચંદ્રયાન-3ના પ્રક્ષેપણથી તેને ભ્રમણકક્ષામાં ઉપર ઉઠાવવાની પ્રક્રિયા પાંચ વખત સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષાથી ચંદ્ર તરફ મોકલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને અવકાશયાનને 'ટ્રાન્સલુનર ઓર્બિટ'માં મુકવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ 1 ઓગસ્ટના રોજ લગભગ 12 વાગે ચંદ્રયાન-3ને પૃથ્વીની કક્ષામાંથી ચંદ્ર તરફ મોકલ્યું હતું. આને ટ્રાન્સલ્યુનર ઈન્જેક્શન કહેવામાં આવે છે. અગાઉ, ચંદ્રયાન આવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું હતું, જેનું પૃથ્વીથી લઘુત્તમ અંતર 236 કિમી અને મહત્તમ અંતર 1,27,603 કિમી હતું.



ચંદ્રયાન-3 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે


ઈસરોના જણાવ્યા અનુસાર, શનિવારે (5 ઓગસ્ટ) અન્ય મહત્વપૂર્ણ પ્રયાસમાં અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મુકવામાં આવશે. અવકાશ એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાન સ્થાપિત કરવાની પ્રક્રિયા 5 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ નિર્ધારિત છે. ઈસરોએ કહ્યું કે આ પ્રયાસ ત્યારે કરવામાં આવશે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની સૌથી નજીક હશે.


આ દિવસે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરાશે


આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે તે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર 'સોફ્ટ લેન્ડિંગ' કરાવવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે 'ચંદ્રયાન-3' ભારતના ચંદ્રયાન કાર્યક્રમ હેઠળનું ત્રીજું ચંદ્ર મિશન છે. ચંદ્રયાન-2ની જેમ તેમાં વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન નામનું રોવર સામેલ છે. સપ્ટેમ્બર 2019 માં ચંદ્રયાન-2 ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું ન હતું. ચંદ્રયાન-3ની સફળતાને લઈને દેશવાસીઓને પણ ઘણી આશા છે. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે.