નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવ પર હવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આક્રમક ટ્વીટ કર્યુ છે. ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા, આ મામલે કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતીય સેના ચીનને જડબાતોડ જવાબ આપે, તેમને ચીન સામે બદલો લેવાની વાત કહી હતી.


અધીર રંજન ચૌધરીએ કહ્યું- ચીની સેના જે બોર્ડર પર છે, તેને કોઇપણ કિંમતે પરત મોકલવી પડશે. આપણા હથિયાર ઇંડા આપવા માટે નથી. આવા સમયે સેનાએ જવાબી કાર્યવાહી કરવી જોઇએ. આક્રમકતાથી જડબાતોડ જવાબ આપવો જોઇએ.



અધીર રંજને ચૌધરીએ લખ્યું- તમામ કોશિશો છતા ચીની સીમા પર આપણા 20 જવાનો શહીદ થઇ ગયા. ચીન દરેક સંભવ કોશિશો કરીને ભારતીય જમીન પર ઘૂસવા માંગે છે, જે આપણા માટે એક પડકાર છે. ભગવાન આપણી સાથે હશે.



નોંધનીય છે કે, 15 જૂને ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા, જ્યારે સામે પક્ષે ચીનને પણ મોટુ નુકશાન પહોંચ્યુ હતુ. રિપોર્ટ હતા કે ચીની સેનાના 43 જવાનો માર્યા ગયા હતા, જોકે ચીને આ વાતની અધિકારીક પુષ્ટિ ન હતી કરી.