નવી દિલ્હીઃ આયુષ મંત્રાલયના વિરોધ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પતંજલિની ‘કોરોનિલ’ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પહેલા રાજસ્થાન અને ઉત્તરાખંડ સરકારે પણ કોરોનાની સારવાર માટે બાબા રામદેવના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે કહ્યું કે, કેરોનિલ દવાના ક્લીનિકલ ટ્રાયલ વિશે કોઈ ચોક્કસ જાણકારી નથી, માટે રાજ્યમાં આ દવાના વેચાણ પર પ્રતિબંધ રહેશે.

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે એક ટ્વીમાં લખ્યું કે, “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સીસથી એ જાણવાનો પ્રયત્ન કરશે કે શું ‘કોરોનિલ’નું ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. અમે બાબા રામદેવને કહેવા માગીએ છીએ કે અમારી સરકાર રાજ્યમાં નકલી દવાના વેચાણ માટે મંજૂરી નહીં આપે.”



આ પહેલા રાજસ્થાન સરકારે કહ્યું હતું કે, આયુષ મંત્રાલયની મંજૂરી વગર કોરોનાની દવા તરીકે કોઈપણ આયુર્વેદિક દવા વેચી નહીં શકાય. જો કોઈ વેચતા પડકાશે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બિહારમાં બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ વિરૂદ્ધ ફરિયાદ

યોગ ગુરુ બાબા રામદેવની કોરોના વાયરસની દવા બનાવવાના દાવાનો કેસ હવે કોર્ટમાં પહોંચ્યો છે. બિહારના મુઝફ્ફરપુરની એક કોર્ટમાં બુધવારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરૂદ્ધ દેશને દવાના નામે ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા એક અરજી કરવામાં આવી છે. મુઝફ્ફરપુરની એક કોર્ટમાં સમાજસેવી અને ભિખનપુરાની રહેવાસી તમન્ના હાશમીએ એક અરજી કરી પતંજલિ સંસ્થાના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણ પર આરોપ લગાવ્યો છે કે આ બન્નેએ કોરોના વાયરસની દવા બનાવવાનો દાવો કરીને દેશ સાથે છેતરપિંડી કરી છે.