ADITYA-L1 Mission: ભારતનું સૂર્ય મિશન આદિત્ય-એલ વન 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટાથી આ મિશન લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ લોકોને આ મિશનનું લોન્ચ જોવા માટે આમંત્રણ આપ્યું છે. તેનું લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી જોઈ શકાશે. આ માટે લોકોએ વેબસાઈટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ISRO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વેબસાઇટની લિંક શેર કરી છે, અને એ પણ કહ્યું છે કે નોંધણીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.






ઈસરોના મતે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તારાઓના અભ્યાસમાં તે આપણને સૌથી વધુ મદદ કરી શકે છે. આમાંથી પ્રાપ્ત માહિતી અન્ય તારાઓ, આપણી આકાશગંગા અને ખગોળશાસ્ત્રના ઘણા રહસ્યો અને નિયમોને સમજવામાં મદદ કરશે. સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિમી દૂર છે. જો કે આદિત્ય L1 આ અંતરના માત્ર એક ટકાને જ કવર કરી રહ્યું છે, પરંતુ આટલું અંતર કાપ્યા પછી પણ તે આપણને સૂર્ય વિશે એવી ઘણી માહિતી આપશે, જે પૃથ્વી પરથી જાણવી શક્ય નથી.


સૂર્ય પર મિશન મોકલવું ભૌતિક રીતે શક્ય નથી. કારણકે તેનું તાપમાન તેના કેન્દ્રમાં 15 મિલિયન ડિગ્રી અને સપાટી પર 5,500 ડિગ્રી સેલ્સિયસ હોય છે. વધારે પડતાં તાપમાનને લીધે, ત્યાં સતત ન્યુક્લિયર ફ્યુઝન થાય છે. આ પ્રકાશ અને ઊર્જાના રૂપમાં આપણી પૃથ્વી પર પહોંચે છે. સૂર્યની આ બાબતનું નિરીક્ષણ કરવાના મુખ્ય ધ્યેય સાથે ભારતનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનને અવકાશ આધારિત અવલોકન શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.