Delhi high court:  દિલ્હી હાઈકોર્ટે એક પુરુષને છૂટાછેડાનો આદેશ આપતાં ચુકાદો આપ્યો છે કે કોઇ પુરુષ પર પોતાના માતા-પિતાને છોડીને સાસરિયાં સાથે "ઘર જમાઈ" તરીકે રહેવા માટે મજબૂર કરવો ક્રૂરતા સમાન છે. આ ચુકાદો ફેમિલી કોર્ટ દ્વારા પુરુષની છૂટાછેડાની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને નીના બંસલ કૃષ્ણાની બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો હતો. તેમણે પોતાના આદેશમાં કહ્યું હતું કે પત્ની દ્ધારા ક્રૂરતા અને પરિત્યાગના આધાર પર દંપતિના છૂટાછેડા પર મહોર લગાવવામાં આવી હતી.


આ કેસમાં પીડિત પક્ષે પોતાની અરજીમાં કહ્યું હતું કે તેના લગ્ન મે 2001માં થયા હતા. એક વર્ષની અંદર તેની પત્ની ગર્ભવતી થતા તેણે ગુજરાતમાં પોતાના સરિયાનું ઘર છોડી દિલ્હીમાં પોતાના માતાપિતાના ઘરે પરત આવી હતી. પુરુષે કહ્યું કે તેણે સમાધાન માટે ગંભીર પ્રયાસો કર્યા પરંતુ તેની પત્ની અને તેના માતાપિતાએ આગ્રહ કર્યો કે તે ગુજરાત છોડીને દિલ્હી આવી જાય અને તેમની સાથે "ઘર જમાઈ" તરીકે રહે છે. પરંતુ તેણે તેમ કરવાનો ઇનકાર કર્યો, કારણ કે તેણે તેના વૃદ્ધ માતાપિતાની સંભાળ લેવાની હતી.


દહેજ ઉત્પીડનનો આરોપ પણ ખોટો છે


બીજી બાજુ મહિલાએ દહેજ માટે ઉત્પીડનનો દાવો કર્યો હતો અને આરોપ મૂક્યો હતો કે તે વ્યક્તિ દારૂડિયા હતો, જેણે તેણીને શારીરિક શોષણ અને ક્રૂરતાનો શિકાર બનાવી હતી.  તેથી તેણે માર્ચ 2002 માં તેના પતિનું ઘર છોડી દીધું હતું. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના એ ચુકાદાને ટાંક્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે પોતાના પુત્રને તેના પરિવારથી અલગ થવાનું કહેવું એ ક્રૂરતા સમાન છે.


માતાપિતાની સંભાળ રાખવી પુત્રની કાનૂની જવાબદારી


દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ભારતમાં કોઈ પુત્ર લગ્ન પછી તેના પરિવારથી અલગ થઈ જાય તે ઈચ્છનીય નથી અને વૃદ્ધાવસ્થામાં તેના માતા-પિતાની સંભાળ લેવી તેની નૈતિક અને કાનૂની જવાબદારી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે પત્નીના પરિવારે પતિને માતા-પિતાને છોડીને ‘ઘર જમાઈ’ બનવા આગ્રહ કરવો એ ક્રૂરતા સમાન છે.


પત્નીની ખોટી ફરિયાદો ફગાવી


કોર્ટે એ પણ નોંધ્યું હતું કે બંને પક્ષો થોડા મહિનાઓ સુધી સાથે રહ્યા હતા જે દરમિયાન તેઓએ વૈવાહિક સંબંધો જાળવી રાખવામાં તેમની અસમર્થતાની જાણ થઇ. નિષ્કર્ષ એ નીકળે છે કે વૈવાહિક સંબંધોથી વંચિત કરવું એ અત્યંત ક્રૂરતાપૂર્ણ કાર્ય છે. કોર્ટે એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે તે વ્યક્તિ તેની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી કેસમાં નિર્દોષ છૂટી ગયો હતો જેમાં તેણીએ તેના પર ક્રૂરતા અને વિશ્વાસ તોડવાનો આરોપ મૂક્યો હતો. મહિલાના આરોપો સાબિત થયા ન હતા અને કોર્ટે કહ્યું હતું કે ખોટી ફરિયાદો ક્રૂરતાનું કૃત્ય છે.


લગ્નેતર સંબંધો પર કોર્ટનું નરમ વલણ


લગ્નેતર સંબંધોના આરોપોના સંદર્ભમાં કોર્ટે નોંધ્યું હતું કે લાંબા સમય સુધી અલગ રહેવાના કારણે  પુરુષ અને સ્ત્રી બંનેને તેમના લગ્નની બહાર બીજા જીવનસાથીની શોધ કરવાની ફરજ પડે છે. અદાલતે અંતે નિષ્કર્ષ કાઢ્યો હતો કે પુરાવા દર્શાવે છે કે મહિલા કોઈ વ્યાજબી કારણ વગર તેના પતિથી અલગ રહેતી હતી, જેના કારણે છૂટાછેડા થયા હતા.