MP High Court ruling on adultery: મધ્યપ્રદેશ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે જો કોઈ પત્ની તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષને પ્રેમ કરતી હોય તો પણ તે પતિ પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પત્ની અને અન્ય પુરુષ વચ્ચે શારીરિક સંબંધ ન હોય ત્યાં સુધી માત્ર પ્રેમ સંબંધને ગેરકાયદેસર સંબંધ ગણી શકાય નહીં અને તેને ભરણપોષણ નકારવાનું કારણ બનાવી શકાય નહીં.

આ કેસમાં એક વ્યક્તિએ ફેમિલી કોર્ટના આદેશ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ફેમિલી કોર્ટે પતિને પત્નીને દર મહિને 4,000 રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પતિએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે તેની પત્ની અન્ય પુરુષના પ્રેમમાં છે અને તેથી તે ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી. પતિએ પોતાની ઓછી આવકનો પણ હવાલો આપતા જણાવ્યું હતું કે તે માત્ર 8,000 રૂપિયા માસિક કમાય છે અને પત્નીને 4,000 રૂપિયા ભરણપોષણ ચૂકવવું તેના માટે બોજારૂપ છે.

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જી.એસ. અહલુવાલિયાએ પતિની દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 144(5) અથવા ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 125(4)નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કાયદા મુજબ જો કોઈ મહિલા ગેરકાયદેસર સંબંધમાં હોવાના નક્કર પુરાવા હોય તો જ તેને ભરણપોષણ આપવાનો ઇનકાર કરી શકાય છે. કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું કે ગેરકાયદેસર સંબંધનો અર્થ માત્ર શારીરિક સંબંધ છે. જો કોઈ સ્ત્રી શારીરિક સંબંધ વિના માત્ર અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ ધરાવે છે, તો તેને ગેરકાયદેસર સંબંધ કહી શકાય નહીં.

કોર્ટે પતિની ઓછી આવકની દલીલને પણ નકારી કાઢી હતી. કોર્ટે અવલોકન કર્યું કે પતિની ઓછી આવક પત્નીને ભરણપોષણ આપવાનો ઇનકાર કરવાનો આધાર હોઈ શકે નહીં. જો કોઈ વ્યક્તિ જાણતા હોવા છતાં લગ્ન કરે છે કે તે પત્નીની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ નથી, તો તેના માટે તે વ્યક્તિ પોતે જ જવાબદાર છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે જો પતિ શારીરિક રીતે સક્ષમ હોય તો તેણે પત્નીને ભરણપોષણ આપવા માટે કામ કરવું જ પડશે.

પતિએ દાવો કર્યો હતો કે પત્ની બ્યુટી પાર્લર ચલાવીને કમાણી કરે છે અને તેને કૌટુંબિક સંપત્તિમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. કોર્ટે આ દલીલોને પણ માન્ય ગણી ન હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાહેર નોટિસ માત્ર એક યુક્તિ છે અને તેના આધારે ભરણપોષણ નકારી શકાય નહીં.

આ ચુકાદા સાથે, મધ્યપ્રદેશ હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો અને સ્પષ્ટ કર્યું કે પત્નીને ભરણપોષણ મળતું રહેશે. કોર્ટનો આ ચુકાદો એવા કિસ્સાઓમાં માર્ગદર્શકરૂપ બનશે જ્યાં પત્ની પર અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ લગાવીને ભરણપોષણ નકારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો....

દિલ્હીની ગાદી બાદ વધુ એક ચૂંટણીમાં બાજી પલટાઈ જતાં AAPની થશે હાર! જાણો સમગ્ર સમીકરણ