અફઘાનિસ્તાન(Afghanistan)માં તાલિબાને(Taliban) સત્તા પર કબજો કર્યા બાદ હવે અફઘાન આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવાના સમાચાર છે. ગુપ્તચર એજન્સીઓએ જેને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓના મતે ભારતમાં મોટા હુમલા માટે અફઘાન આતંકવાદીઓ દ્વારા કાવતરું રચાય તેવી શક્યતા છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓનું લક્ષ્ય મોટા સેનાના કેમ્પ અથવા મોટી સરકારી સંસ્થાઓ હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર આ આતંકીઓને પાકિસ્તાન તરફથી સરહદ પાર કરવામાં મદદ કરવામાં આવી છે. માહિતી અનુસાર અફઘાન આતંકવાદીઓને ભારતમાં પ્રવેશ કર્યા બાદ પરત ફરતા પાકિસ્તાનીઓની ભારતીય સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી.
આ એન્કાઉન્ટરમાં એક ભારતીય સૈનિક પણ ઘાયલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અફઘાન આતંકીઓ પાસે ઘાતક હથિયારો છે. આ સાથે જમ્મુ -કાશ્મીરમાં હાજર તમામ આતંકવાદીઓ આ અફઘાન આતંકવાદીઓને ટેકો પૂરો પાડવાના સમાચાર પણ છે. ગુપ્તચર અહેવાલ મુજબ ઉરી સેક્ટરની અંગુર પોસ્ટ પર જાળી કાપીને પાકિસ્તાન તરફથી અફઘાન આતંકવાદીઓ ઘુસી આવ્યા છે.
સેના આ આતંકીઓની શોધમાં લાગેલી છે. નિયંત્રણ રેખા પર શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ બાદ સેનાનું સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. ઉરી સેક્ટરમાં સર્ચ ઓપરેશન શરૂ થયાને 5 દિવસ થઈ ગયા છે. જોકે અહીં ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સરહદી નગરમાં તમામ ટેલિકમ્યુનિકેશન સુવિધાઓ સાવચેતી રૂપે સ્થગિત કરવામાં આવી હતી.
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન ચાલુ છે. પરંતુ તેમણે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર વાડ નજીક દુશ્મન સાથે પ્રારંભિક મુકાબલામાં એક સૈનિક ઘાયલ થયો હતો. જેથી આતંકીઓની તલાશી કરવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી ઘૂસણખોરો અંતરિયાળ પ્રદેશમાં પ્રવેશ ન કરી શકે. જે વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી, તે વિસ્તાર ગોહલાન નજીક આવે છે, તે જ વિસ્તાર જ્યાંથી આતંકવાદીઓએ સપ્ટેમ્બર 2016માં ઉરી બ્રિગેડ પર હુમલો કર્યો હતો.
માહિતી અનુસાર તેઓ અફઘાન આતંકવાદી છે અને સરળતાથી ભારતીય લોકો સાથે ભળી શકતા નથી. આ સ્થિતિમાં સુરક્ષા દળો તેમની શોધમાં લાગેલા છે. શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને લોકોની શંકા વિના પૂછપરછ કરવામાં આવી રહી છે.