કોરોનાના ઘટતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે 31 માર્ચથી તમામ કોવિડ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ફેસ માસ્કનો નિયમ અને બે ગજનું અંતર યથાવત રહેશે.


દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત ચોથા દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1778 નવા કેસ અને 62 દર્દીના મોત થયા છે. મંગળવારે 1581 નવા કેસ 33 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 1,549 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા હતા.. રવિવારે દેશમાં કોરોના વાયરસના 1,761 નવા મામલા નોંધાયા હતા અને 127 લોકોના મોત થયા હતા.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 826 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 23,087 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,16,605 પર પહોંચ્યો છે.. દેશમાં અત્યાર સુધીમાં 181,89,15,234 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જેમાંથી ગઈકાલે 33,13,290 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.


ચેપનો દૈનિક દર 0.26 ટકા અને સાપ્તાહિક દર 0.36 ટકા નોંધાયો છે. દેશમાં કોવિડ-19 માટે અત્યાર સુધીમાં કુલ 78.42 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 6,77,218 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,24,73,057 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.20 ટકા છે. તે જ સમયે, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 181.89 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.


તમને જણાવી દઈએ કે 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા.