નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વિદેશમંત્રી બાદ ગૃહમંત્રી અસદુઝ્ઝમા ખાને ભારત પ્રવાસ રદ કર્યો છે. બાંગ્લાદેશના ગૃહમંત્રી શુક્રવારે મેઘાલયના પ્રવાસ પર આવવાના હતા. તેઓ મેઘાલયમાં ફ્રિડમ ફાઇટર્સ વેલફેર ટ્રસ્ટના એક કાર્યક્રમમાં સામેલ થવાના હતા. આ કાર્યક્રમ બાંગ્લાદેશની આઝાદી માટે આયોજીત કરવામાં આવવાનો હતો. જેને રદ કરવા પાછળ સતાવાર કારણમાં કહેવામાં આવ્યુ છે કે અચાનક આવેલા સ્થાનિક કારણોસર આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
આ અગાઉ નાગરિકતા સંશોધન બિલને લઈને બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને ભારતનો ત્રણ દિવસીય પ્રવાસ રદ્દ કરી દીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા અગાઉ જાહેર કરેલી સૂચના અનુસાર મોમેન ગુરુવારે સાંજે ભારત પહોંચવાના હતા. સૂત્રોએ જણાવ્યું કે આ બિલ પાસ થયા બાદ વણસેલી સ્થિતિને જોતા પોતાનો આ પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રી ડો. એકે અબ્દુલ મોમિને કહ્યું કે, ઘણાં ઓછા એવા દેશ છે જ્યાં સાંપ્રદાયિક સદભાવ બાંગ્લાદેશ જેટલું સારું છે. તેમણે આગળ કહ્યું કે, જો તે (ગૃહમંત્રી અમિત શાહ) થોડા મહિના માટે બાંગ્લાદેશમાં રહે તો તેમને અમારા દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ કેવું છે તે જોવા મળશે.