રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુરુવારે કુલ 17 બેઠકો પર મતદાન પૂર્ણ થયું હતું. આ બેઠકો પર કુલ 61.19 ટકા મતદાન નોંધાયું હતું. શાંતિપૂર્ણ મતદાન માટે રાજ્યમાં 35000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા હતા. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ પોતાનો મત એટીઆઇ રાંચીમાં જ્યારે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનના અધ્યક્ષ સુદેશ મહતોએ પોતાની પત્ની સાથે સિલ્લીમાં મત આપ્યો હતો.
ત્રીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારોમાં સીપી સિંહ, રામચંદ્ર સહિસ અને નીરા યાદવ, પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આજસૂના અધ્યક્ષ સુદેશ મહતો સામેલ છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં આ 17 બેઠકોમાંથી ભાજપ, ઝામુમો અને કોગ્રેસે અનુક્રમે 10, ત્રણ અને બે બેઠકો પર જીત હાંસલ કરી હતી. સાત બેઠકો પર ભાજપ, કોગ્રેસ અને ઝામુમોના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે. સિલ્લી બેઠક માટે આજસૂ અધ્યક્ષ સુદેશ મહતો અને ઝામુમોના વર્તમાન ધારાસભ્ય સીમા દેવી વચ્ચે છે.