નવી દિલ્લીઃ નોટબંદી બાદ વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં પ્રથમ પરિવર્તન રેલી યોજી હતી. મોદીએ રેલીમાં જણાવ્યુ હતું કે, હિન્દુસ્તાનમાં ધનની કોઇ અછત નથી. પરંતુ પૈસા જ્યાં હોવા જોઇએ ત્યાં નથી.
રેલીની શરૂઆતમાં મોદીએ ભોજપુરી ભાષામાં લોકોનું સંબોધન કર્યુ હતું. શહીદ પૂજનરાય, વીર અબ્દુલ હમીદ સહિત અન્ય લોકોને નમન કરવાની સાથે સૈન્યમાં જોડાયેલા પાંચ હજાર નવજવાનોનું અભિનંદન કરું છું. મોદીએ નોટબંદી પર બોલતા કહ્યુ હતું કે, મારા આ નિર્ણયથી કેટલાક લોકોને તકલીફ પડી રહી છે. આ લોકો મારી પાછળ પડી ગયા છે. મોદીએ કહ્યું કે, ઇમાનદારીના નામે જે લોકો દેશને છેતરી રહી રહ્યા છે, તે લોકો બતાવો કે શું કાળા નાણાને ચલાવી લેવાય, શું ભ્રષ્ટાચાર ચાલવો જોઇએ.
મોદીએ કહ્યું કે હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીશ. લોકોએ જનાદેશ આપ્યો છે. જો હું 500 અને 1000ની નોટ બંધ કરી રહ્યો છું તો તેની જ લડાઇ લડી રહ્યો છું. આપણી બેન્કના કર્મચારીઓ 18-18 કલાક કામ કરી રહ્યા છે. રેલી દરમિયાન મોદીએ કોંગ્રેસ, માયાવતી અને બ્લેકમની રાખનાર અમીરો ઉપર આકરા પ્રહાર કર્યા હતા.