ચેન્નઈઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. 1 ઓગસ્ટથી દેશમાં અનલોક-3ની શરૂઆત થશે. જેમાં રાત્રિ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે અને યોગ સંસ્થા અને જીમ 5 ઓગસ્ટથી ખોલી શકાશે. આ દરમિયાન મહારાષ્ટ્ર બાદ વધુ એક મોટા રાજ્યએ 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.


તમિલનાડુમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે રાજ્ય સરકારે લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. રવિવારે કોઈપણ પ્રકારની છૂટ નહીં આપવામાં આવે. જોકે 31 ઓગસ્ટ સુધી જાહેર કરાયેલા લોકડાઉનના દિશા નિર્દેશમાં કેટલીક છૂટ આપવામાં આવી છે.



દેશમાં કોરોના સંક્રમિત રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ બીજા ક્રમે છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,34,114 પર પહોંચી છે. જ્યારે 3741 લોકોના મોત થયા છે. રાજ્યમાં 1,72,883 લોકો સાજા થઈ ગયા છે અને 57,490 એક્ટિવ કેસ છે.