મુંબઈઃ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ લોકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે. તેનાથી ઠીક થવા પર પણ લોકો અનેક નવી નવી બીમારીઓનો સામનો કરી રહ્યા છે. કોરોનાથી સાજા થયા બાદ લોકોમાં બ્લેક ફંગસના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે હવે મુંબઈમાં અવૈસ્કુલર નેક્રોસિસ (Avascular necrosis- AVN) એટલે કે બોન ડેથના ત્રણ કેસ સામે આવ્યા છે. ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી કેટલાક મહિના હજુ પણ આવા કેસ સામે આવતા રહેશે.
વૈસ્કુલર નેક્રોસિસ બીમારીમાં હાડકા ગળવા લાગે છે. આવું બોન ટિશૂ સુધી લોહી સરખી રીતે ન પહોંચવાને કારણે થાય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, મુંબઈના માહિમ સ્થિત હિંદુજા હોસ્પિટલમાં ત્રણ યુવાઓની સારવાર ચાલી રહી છે. તેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે. કોરોનાની સારવારના 2 મહિના બાદ તેમનામાં આ બીમારી સામે આવી છે.
દર્દીઓ ખુદ ડોક્ટર હોવાને કારણે ઝડપથી લક્ષણો ઓળખી ગયા
હિંદુજા હોસ્પિટલ, માહિમના મેડિકલ ડાયરેક્ટર ડો. સંજય અગ્રવાલ અનુસાર “આ રોગીએ પોતાની ફીમર બોન (જાંઘના હાડકાનો સૌથી ઉંચો ભાગ)માં દુખાવો થયો અને આ ત્રણેય ડોક્ટર હોવાને કારણે તેમને તરત જ લક્ષણની ખબર પડી ગઈ અને તાત્કાલીક સારવાર માટે આવી ગયા. એવીએન અને મ્યૂકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ની વચ્ચે કોમન ફેક્ટર સ્ટીરોઈડનો ઉપયોગ છે. કોરોનાના દર્દીની સારવારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
કોરોનાની સારવારમાં કોર્ટિકોસ્ટેરાઈડ્સનો થઈ રહ્યો છે ઉપયોગ
એવીએન પર ડો. અગ્રવાલનું રિસર્ચ પેપર ‘એવૈસ્કુલર નેક્રોસિસ એ પાર્ટ ઓફ લોંગ કોવિડ-19’ શનિવારે પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ‘બેમજે કેસ સ્ટડીઝ’માં પ્રકાશિત થયું છે. તેમાં તેમણે કહ્યું કે, કોરોના કેસમાં ‘જીવન રક્ષક કોર્ટિકોસ્ટેરોઈડ્સનો મોટા પાયે ઉપયોગ’ને કારણે એવીનાના કેસ વધશે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 5 લાખ 85 હજાર 229
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 97 લાખ 430
- કુલ એક્ટિવ કેસ - 4 લાખ 82 હજાર 071
- કુલ મોત - 4 લાખ 2 હજાર 718