ભારત બાયોટેકે રાજ્ય સરકારો માટે કોવેક્સિની કિંમતમાં ઘટાડો કરીને 400 રૂપિયા પ્રતિ ડોઝ કરી દીધો છે. હૈદરાબાદની કંપની ભારત બોયોટેકે કોરોનાના રસી કોવેક્સિનની કિંમત રાજ્યો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડીને 400 રૂપિયા કરી દીધી છે. અગાઉ ભારત બોયોટેક કેંદ્રને રસીનો એક ડોઝ 150 રૂપિયા, જ્યારે રાજ્યોને 600 અને ખાનગી ક્ષેત્રને 1200 રૂપિયામાં વેંચતા હતા. જો કે તેની વ્યાપક ટીકા થતા આખરે ભારત બોયોટેકે રાજ્ય સરકારોને પ્રતિ ડોઝ 400 રૂપિયાની કિંમતે આપવાનો નિર્ણય કર્યો છે.
ભારત બાયોટેક કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત બાયોટેક દેશમાં કોરોના રોગચાળાની હાલની સ્થિતિ અંગે ચિંતિત છે. જાહેર આરોગ્ય સંભાળ સિસ્ટમ સામેના મોટા પડકારને ધ્યાનમાં રાખીને, અમે તેને રાજ્ય સરકારોને એક ડોઝ માત્ર 400 રૂપિયાના દરે ઉપલબ્ધ કરીશું.”
જોકે ભારત બાયોટેકે કોવેક્સિનની કિંમત ફક્ત રાજ્ય સરકારો માટે ઓછી કરી છે. ખાનગી હોસ્પિટલો માટે નથી કરી. ખાનગી હોસ્પિટલોમાં હાલમાં પણ કોવેક્સિનનો એક ડોઝ 1200 રૂપિયામાં જ ખરીદવો પડશે.જ્યારે કેન્દ્રને એક ડોઝ 150 રૂપિયામાં મળશે.
નોંધનીય છે કે, આ પહેલા ‘કોવિશીલ્ડ’ રસીની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તે રાજ્ય સરકારોને આપવામાં આવનાર આ રસીના પ્રતિ ડોઝની કિંમતમાં રૂ. 100નો ઘટાડો કરે છે. કેન્દ્ર સરકારે હાલમાં જ કોરોના-રસીને લગતી જાહેર કરેલી નવી નીતિ અંતર્ગત સીરમ ઈન્સ્ટિટ્યૂટે રાજ્ય સરકારોને તેની ‘કોવિશીલ્ડ’ રસી પ્રતિ ડોઝ રૂ.400ની કિંમતે આપવાની તૈયારી બતાવી હતી. ખાનગી હોસ્પિટલોને તે આ જ રસી પ્રતિ ડોઝ રૂ.600ની કિંમતે વેચે છે.
સીરમના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું છે કે કંપની તરફથી સખાવતીના ઉદ્દેશ સાથે હું આજે અત્યારથી જ અમલમાં આવે એ રીતે રાજ્યો માટે અપાનાર ‘કોવિશીલ્ડ’ રસીના પ્રતિ ડોઝમાં રૂ.100નો ઘટાડો કરું છું અને હવે આ રસી તેમને પ્રતિ ડોઝ રૂ.400ને બદલે રૂ.300ની કિંમતે આપવામાં આવશે. કિંમતમાં આ ઘટાડો કરવાથી રાજ્યોના ભંડોળમાં કરોડો રૂપિયાની બચત થશે અને વધુ લોકોને રસી આપી શકાશે અને એ સાથે જ અનેક લોકોની જિંદગી બચાવી શકાશે.