Agnipath Protest: સશસ્ત્ર દળોમાં ભરતી સંબંધિત 'અગ્નિપથ' યોજનાના વિરોધને કારણે અત્યાર સુધીમાં 200 થી વધુ ટ્રેનો રદ્દ  કરવામાં આવી છે. રેલવેએ શુક્રવારે આ જાણકારી આપી. ઝોનલ રેલ્વે અનુસાર, પૂર્વ મધ્ય રેલ્વેમાં 164, ઉત્તર પૂર્વીય રેલ્વેમાં 34, ઉત્તરીય રેલ્વેમાં 13 અને ઉત્તર પૂર્વ સરહદ રેલ્વેમાં લગભગ ત્રણ ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ અત્યાર સુધીમાં સાત ટ્રેનોની બોગીને આગ ચાંપી દીધી છે.


કુલ 316 ટ્રેનો પ્રભાવિત થઈ 
શુક્રવારે સાંજે 4:30 વાગ્યા સુધીની સ્થિતિ વિશે માહિતી આપતા રેલ્વેએ કહ્યું કે અગ્નિપથ યોજના વિરુદ્ધ આંદોલનને કારણે અત્યાર સુધીમાં 80 મેલ એક્સપ્રેસ અને 134 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે 61 મેલ એક્સપ્રેસ અને 30 પેસેન્જર ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ સિવાય 11 મેલ એક્સપ્રેસને ડાયવર્ટ કરવામાં આવી છે. રેલ્વેની માહિતી અનુસાર, આ પ્રદર્શનોને કારણે કુલ 316 ટ્રેનો પ્રભાવિત થઈ છે.


ક્યાં અને કેટલી ટ્રેનોને નુકસાન થયું?
વિરોધીઓએ પૂર્વ મધ્ય રેલ્વેમાં ચાલતી ત્રણ ટ્રેનોના કોચ અને તે જ ઝોનમાં કુલહરિયા ખાતે એક ખાલી બોગીને નુકસાન પહોંચાડ્યું હતું. 


રેલવેએ કહ્યું કે ઉત્તર પ્રદેશના બલિયામાં ધોવા માટે કતારમાં ઉભી રહેલી ટ્રેનની એક બોગીને પણ નુકસાન થયું છે. પૂર્વ મધ્ય રેલ્વેમાં અત્યાર સુધીમાં 64 ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થાન પહેલા રોકવામાં આવી છે. 


દક્ષિણ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આંદોલન અને આગચંપીને ધ્યાનમાં રાખીને, તેના અધિકારક્ષેત્રથી બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંતવ્ય સ્થાનો સુધીની તમામ ટ્રેનોને અધવચ્ચે રોકવામાં આવશે.


રેલ્વે મંત્રીએ યુવાનોને કરી અપીલ
આ પહેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુવાનોને રેલ્વે સંપત્તિને નુકસાન ન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, "હું યુવાનોને અપીલ કરું છું કે હિંસક વિરોધમાં સામેલ ન થાય અને રેલ્વેની મિલકતોને નુકસાન ન પહોંચાડે."