New PCI Chairperson : સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈ શુક્રવારે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)ના અધ્યક્ષ બન્યા. આ પદ પર નિયુક્ત થનાર તેઓ પ્રથમ મહિલા છે. સરકારે તેમના નામની ઔપચારિક જાહેરાત કરી. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. મંગળવારે એક સમિતિ દ્વારા 72 વર્ષીય રંજના દેસાઈની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. આ સમિતિમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને PCI સભ્ય પ્રકાશ દુબે સામેલ હતા.



અગાઉ નિવૃત્ત જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદ PCI પ્રમુખ હતા. ગયા વર્ષે નવેમ્બરમાં તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ અને પદ છોડ્યા બાદ આ પોસ્ટ ખાલી પડી હતી.હવે આના પર જસ્ટિસ રંજના દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.


જાણો જસ્ટિસ રંજના દેસાઈ વિશે 
જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈનો જન્મ 30 ઑક્ટોબર 1949ના રોજ થયો હતો. તેમણે 1970માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બેચલર ઑફ આર્ટસ અને 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી બેચલર ઑફ લૉ પાસ કર્યું હતું. તેઓ  સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે. 


13 સપ્ટેમ્બર 2011ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. આ સિવાય 72 વર્ષીય જસ્ટિસ દેસાઈ બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ છે. જસ્ટિસ રંજના દેસાઈએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર પર સીમાંકન કમિશનનું નેતૃત્વ કર્યું હતું. જેની સ્થાપના કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભા મતવિસ્તારોને ફરીથી બનાવવા માટે કરવામાં આવી હતી.






જાણો પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વિશે 
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચના સંસદ દ્વારા વર્ષ 1966માં પ્રથમ પ્રેસ કમિશનની ભલામણ પર પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને ભારતમાં પ્રેસના ધોરણને જાળવવા અને સુધારવા માટે કરવામાં આવી હતી. વર્તમાન કાઉન્સિલ પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 હેઠળ કાર્ય કરે છે. તે એક વૈધાનિક અર્ધ-ન્યાયિક સત્તા છે જે પ્રેસ માટે અને તેના વતી પ્રેસના પ્રહરી તરીકે કામ કરે છે. તે અનુક્રમે પ્રેસ વિરુદ્ધની ફરિયાદો અને પ્રેસ દ્વારા નૈતિકતા અને પ્રેસની સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે નોંધાયેલી ફરિયાદોનો નિર્ણય કરે છે.


પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું નેતૃત્વ તેના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે, જે ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ હોય છે. કાઉન્સિલમાં 28 અન્ય સભ્યોનો સમાવેશ થાય છે જેમાંથી 20 પ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે અને માન્યતાપ્રાપ્ત પ્રેસ સંસ્થાઓ/સમાચાર એજન્સીઓ અને અખિલ ભારતીય સંસ્થાઓ દ્વારા નામાંકિત કરવામાં આવે છે, જેમ કે: સંપાદકો, પત્રકારો અને અખબારો અને સમાચાર એજન્સીઓના માલિકો અને સંચાલકો. 


કાઉન્સિલ દ્વારા સૂચિત 5 સભ્યો સંસદના બંને ગૃહો દ્વારા નામાંકિત કરવામાં આવે છે અને ત્રણ સભ્યો સાહિત્ય અકાદમી, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નામાંકિત તરીકે સાંસ્કૃતિક, સાહિત્યિક અને કાનૂની ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સભ્યો ત્રણ વર્ષના સમયગાળા માટે કાઉન્સિલની સેવા આપે છે. નિવૃત્ત થનાર સભ્યને એક કરતાં વધુ મુદત માટે ફરીથી નોમિનેટ કરી શકાશે નહીં.