Congress PC on Agnipath Scheme: દેશમાં સેનામાં ભરતીને લઈને અગ્નિપથ યોજના પર હોબાળો થયો છે. દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દરમિયાન કોંગ્રેસે અગ્નિપથ યોજનાને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસના નેતાઓ પ્રમોદ તિવારી, પવન ખેરા અને યુવા નેતા કન્હૈયા કુમારે સેનાની ભરતી માટેની અગ્નિપથ યોજનાની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ કહ્યું હતુ કે અગ્નિપથ યોજના નોટબંધી જેવો નિર્ણય છે. વડાપ્રધાન વિચાર્યા વગર નીતિઓ બનાવીને લોકો સાથે રમત રમી રહ્યા છે. તેમણે અગ્નિપથ યોજનાને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી હતી.


બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ અગ્નિપથ યોજનાને નો રેન્ક, નો પેન્શન, માત્ર દિશા વિનાનું ટેન્શન ગણાવ્યું હતું. તેમણે પૂછ્યું હતું કે શું તે આર્થિક બચત માટે યુવાઓને શહીદ કરી દેશે? તેઓ પોતાના હકની માંગ કરી રહેલા યુવાનો પર લાકડીઓ વરસાવી રહ્યા છે. આ યોજના પાછી ખેંચો. આખરે કેટલા યુવાનોની શહીદી પછી તમે સહમત થશો?


અગ્નિપથ યોજના પાછી ખેંચવાની માંગ


કોંગ્રેસના યુવા નેતા કન્હૈયા કુમારે કહ્યું હતું કે બિહારમાં બેરોજગારીનો દર બમણો છે. યુવાનો પાસેથી તકો છીનવાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે પીએમ અમને પાંજરામાં બંધ ઉંદરો માને છે. આ દેશ ગાંધીનો દેશ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આર્મી ભરતી વિરુદ્ધ અગ્નિપથ યોજનાને લઇને કોગ્રેસ આંદોલનને સમર્થન આપી રહી છે. આ સાથે કન્હૈયા કુમારે યુવાનોને હિંસા અને આગચંપી ન કરવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશની સંપત્તિને સળગાવી જોઈએ નહીં.


યુવક 4 વર્ષમાં નિવૃત્ત થઇ જશે તો લગ્ન કોણ કરશે?


કન્હૈયા કુમારે વધુમાં કહ્યું હતું કે જો યુવક 4 વર્ષમાં નિવૃત્ત થઈ જશે તો તેની સાથે લગ્ન કોણ કરશે? તેમણે કહ્યું કે 47 વર્ષ બાદ સૌથી વધુ બેરોજગારી મોદી સરકારમાં આવી છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે મોદી સરકારે આવી યોજના વિશે વિપક્ષ કે યુવાનોને અગાઉ કેમ પૂછ્યું નહીં? આર્મી એ માત્ર નોકરી નથી. જ્યારે કોઈને આર્મીમાં નોકરી મળે છે ત્યારે આખા વિસ્તારમાં તેનું સન્માન થાય છે. દેશની સુરક્ષાનો પ્રશ્ન છે, તેને મજાક ન બનાવો.