Agniveer Recruitment: કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF), આસામ રાઇફલ્સમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) અને રાઈફલમેનના પદો પર અગ્નિવીરને 10 ટકા અનામત આપવામાં આવી રહી છે. આ સિવાય અગ્નિવીરને વય મર્યાદા અને ફિઝિકલ ટેસ્ટમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. CAPF અને આસામ રાઈફલ્સમાં ખાલી પડેલી જગ્યાઓ વિશે માહિતી આપતાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે હાલમાં આ દળોમાં 84,106 પદ ખાલી છે, જ્યારે કુલ મંજૂર પદોની સંખ્યા 10,45,751 છે.






ગૃહ મંત્રાલયે સોશિયલ સાઈટ X પર કહ્યું કે 4 વર્ષનો અનુભવ ધરાવતા અગ્નિવીરોને BSF, CRPF અને CISFમાં નિમણૂક માટે 10 ટકા અનામત મળશે. આ સાથે ઉંમર અને ફિઝિકલ ટેસ્ટમાં પણ છૂટછાટ આપવામાં આવશે.






ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિવીરો માટે લેવામાં આવેલા આ પગલાઓ માત્ર તેમના ભવિષ્યને જ નહીં પરંતુ દેશના સુરક્ષા દળોમાં લાયક અને પ્રશિક્ષિત યુવાનોની ભરતી પણ સુનિશ્ચિત કરે છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે અગ્નિવીર યોજના સંબંધિત લાભો અને અનામતના માધ્યમથી યુવાનોને સશસ્ત્ર દળોમાં વધુ તકો મળી શકે અને તેઓ પૂરી ઈચ્છાશક્તિ સાથે દેશની સેવા કરી શકે.


CAPFના આ દળોમાં અનામત મળશે


ભૂતપૂર્વ અગ્નિવીરોને માત્ર BSFમાં જ નહીં પરંતુ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) હેઠળના તમામ દળોમાં 10 ટકા અનામત આપવામાં આવશે. જેમાં CISF, સશસ્ત્ર સીમા દળ (SSB) અને CRPF પણ સામેલ છે.


આરપીએફમાં ફિઝિકલ ટેસ્ટમાં છૂટછાટ


RPFએ કહ્યું છે કે વય મર્યાદામાં છૂટછાટ સાથે ભૂતપૂર્વ અગ્નિવીરોને પણ PET એટલે કે ફિઝિકલ એફિસિએન્સી ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. આરપીએફના મહાનિર્દેશક તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ પૂર્વ અગ્નિવીરોને આરપીએફમાં સામેલ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.


કઈ બેન્ચ માટે કેટલી છૂટ?


બીએસએફના મહાનિર્દેશકે કહ્યું છે કે પૂર્વ અગ્નિવીરોને દળમાં અનામતની સાથે પણ વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. અગ્નિવીરની પ્રથમ બેન્ચના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને તે પછીની બેન્ચના અગ્નિવીરને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.