13 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિઝોરમની રાજધાની આઈઝોલમાં બાહરાબી-સૈરાંગ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યા પછી પીએમ ઇમ્ફાલ પહોંચી શકે છે. મે 2023માં મણિપુર હિંસા પછી આ તેમની પહેલી મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભવિત કાર્યક્રમ મુજબ, પીએમ ઇમ્ફાલમાં કાંગલા કિલ્લાની મુલાકાત લેશે અને લગભગ 15 હજાર લોકોના જનમેદનીને સંબોધિત કરી શકે છે. આ પછી, ચુરાચંદપુરમાં લગભગ 1૦ હજાર લોકોના મેળાવડાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
NH-2 ઓપન કરવાનો નિર્ણય
ચુરાચંદપુર ઇમ્ફાલથી લગભગ 60 કિમી દૂર છે, જ્યાં તેઓ હેલિકોપ્ટર દ્વારા જવાની અપેક્ષા છે. જોકે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. દરમિયાન, ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કુકી-ઝો કાઉન્સિલ (KZC), કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF) સાથે ત્રિપક્ષીય બેઠક યોજ્યા બાદ NH-2 ખોલવાનો નિર્ણય લીધો છે. આસામના ડિબ્રુગઢથી મિઝોરમના તુઇપાંગ સુધીનો આ હાઇવે મણિપુરની જીવનરેખા માનવામાં આવે છે કારણ કે તે માર્ગ છે, જેના દ્વારા લોકો અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં મુસાફરી કરે છે. મે 2023 ની હિંસા પછી આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.
NH-2 ખુલવાથી લોકો અને પરિવહનને મોટી રાહત મળશે
આ કિસ્સામાં, કુકી-જો કાઉન્સિલનું કહેવું છે કે તેમના તરફથી હાઇવે બંધ કરવામાં આવ્યો ન હતો. બેઠકમાં, સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO) કરારને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો. આમાં, સંઘર્ષ વિસ્તારોમાંથી કેમ્પ દૂર કરવા, સંખ્યા ઘટાડવા અને નજીકના CRPF અને BSF કેમ્પમાં શસ્ત્રો જમા કરાવવા પર સંમતિ થઈ છે. NH-2 ખોલવાથી લોકોને અને પરિવહનને મોટી રાહત મળશે.
મણિપુર પ્રવાસ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ મિઝોરમ સરકારના ઘણા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે પીએમ મોદી આઈઝોલથી મણિપુર જઈ શકે છે.જો પીએમ મોદી મિઝોરમથી મણિપુર જાય છે, તો 2023 માં રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી પીએમની મણિપુરની આ પહેલી મુલાકાત હશે. મે 2023 થી મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસામાં ઓછામાં ઓછા 260 લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.