નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગ્જ નેતા અહમદ પટેલનું દિલ્હીમાં નિધન થયું હતું. બુધવારે સાંજે તેમના પાર્થિવ દેહને દિલ્હીથી વડોદરા લાવવામાં આવ્યો હતો. અહમદ પટેલ ગુરુવારે સવારે સુપુર્દ-એ-ખાક થયા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અહમદ પટેલની અંતિમ યાત્રામાં જોડાયા હતા. અહમદ પટેલની પુત્રીનો એક વીડિયો કૉંગ્રેસના આધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.

કૉંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તેમાં અહમદ પટેલના દિકરી કહે છે કે, પપ્પા હંમેશા કહેતા હતા, બધાને સાથે લઈને ચાલવાનું, જેટલુ બની શકે બધાની મદદ કરવાની. અમે તેમના બતાવેલા માર્ગ, સિદ્ધાંતો અને આદર્શો પર ચાલીશું. પપ્પાનો દેશ પ્રત્યે પ્રેમ અને ગરીબોની સેવા કરવાની ભાવના- આજ અમારો હેતુ હશે કે તેમના કામને આગળ વધારીએ.



ઉલ્લેખનીય છે કે અહમદ પટેલ કૉંગ્રેસના દિગ્ગજ નેતા હતા. 1976માં માત્ર 27 વર્ષની ઉંમરે ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતીને રાજકીય સફર શરૂ કરનારા પટેલ 1977માં માત્ર 26 વર્ષની ઉંમરે જ ભરૂચ લોકસભા બેઠક જીત્યા હતા ને ઓ વખતે સૌથી યુવાન સાંસદ બન્યા હતા.

1993માં પહેલી વાર રાજયસભાના સાંસદ બન્યા. એ પછી તે વધુ ચાર વાર રાજ્યસભામાં ગયા ને ગુજરાતમાં સળંગ પાંચ વાર રાજ્યસભાની ચૂંટણીમાં જીતનારા એક માત્ર નેતા છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અહમદ પટેલના પરિવારમાંથી કોઈપણ સભ્ય રાજકારણમાં નથી.