Ahmedabad plane crash:અમદાવાદની પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ એક વર્ષ પહેલાં અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. ઘટનાના એક વર્ષ બાદ પણ તપાસનો અંતિમ રિપોર્ટ જાહેર થયો નથી. જેના કારણે અનેક સવાલો હજુ પણ અનુત્તર છે.આંતરરાષ્ટ્રીય એવિએશન નિયમો અનુસાર કોઈપણ મોટી વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ 12 મહિનાની અંદર રજૂ થવો જોઈએ. જોકે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મામલે આ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તપાસ હજુ અધૂરી છે.
દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો આજે એકત્ર થયા છે. મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંજના સમયે દુર્ઘટના સ્થળે વિશેષ કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ રિપોર્ટને હજુ ત્રણ મહિના જેટલો વધુ સમય લાગી શકે છે. પરિણામે દુર્ઘટનાનું સાચું કારણ અને જવાબદાર પરિબળ અંગેની સ્પષ્ટતા હજુ સુધી થઈ શકી નથી. તપાસ દરમિયાન એન્જિનની કામગીરી અને ટેક્નિકલ ખામીઓ અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકન કંપની દ્વારા બનાવવામાં આવેલા એન્જિનોની તપાસને લઈને પારદર્શિતા જળવાઈ રહે તે જરૂરી છે. કારણ કે પોતાની જ કંપનીને જવાબદાર ઠેરવવાની સ્થિતિમાં નિષ્પક્ષતા અંગે ચર્ચા થઈ રહી છે.
બીજી તરફ પાયલોટ્સ ફેડરેશને પણ તપાસને માત્ર ફ્યુઅલ સ્વીચના મુદ્દા સુધી મર્યાદિત ન રાખવાની માંગ કરી છે. ફેડરેશનનું કહેવું છે કે, દુર્ઘટનાના તમામ સંભવિત ટેક્નિકલ અને માનવીય પરિબળોની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
આ દરમિયાન દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો માટે આજે પણ ઘા તાજા છે. એક વર્ષ બાદ પણ તેઓ સત્ય બહાર આવે અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી આશા રાખી રહ્યા છે. એક વર્ષ થયું પરંતુ નિર્દોષના જીવ લેનારના પરિજનના આજે પણ આંસુ સૂકાયા નથી. આજે આ સ્થળે પહોંચીને મૃતકોના પરિવારજનો તેમના પ્રિયજનોને યાદ કરીને ચૌધાર આંસુએ રડી રડ્યાં હતા.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું, પરંતુ અનેક પ્રશ્નોના જવાબ હજુ મળવાના બાકી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુર્ઘટનાનું સાચું કારણ સામે આવશે અને 260 લોકોના મોત પાછળ જવાબદાર પરિબળો અંગે સ્પષ્ટતા થઈ શકશે.
નોંધનિય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા વિજયભાઈ રૂપાણીના વ્યક્તિત્વ અને તેમના શાસનકાળના કાર્યોને યાદ કરી મુખ્યમંત્રીએ તેમને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા. . આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમની સેવાઓને યાદ કરી હતી.
