અમદાવાદઃ અમદાવાદના જશોદાનગરમાં  એક જ પરિવારના બે સગા ભાઈઓએ પોતાનાં ચાર સંતાનો સાથે આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.  એક જ પરિવારના છ સભ્યોના મોતથી હાહાકાર મચી ગયો છે.

મૂળ વટવામાં રહેતા ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ એ બે સગા ભાઇ તથા તેમનાં ચાર બાળકોના તેમના જૂના મકાનમાંથી લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે.   પ્રાથમિક ધોરણે હાલ આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  હાલ પોલીસે તમામ મૃતદેહો ને વી.એસ. હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યા છે.  ત્યાર બાદ વિસેરાનો પણ રિપોર્ટ કરાવવામાં આવશે.

શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યો રહેતા હતા. ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ નામના બે ભાઈઓએ સંતાનો સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ હતાં. તેમનાં બાળકોનાં નામ મયૂર, કિર્ત, ધ્રુવ અને સાનવી હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. બે દિવસ પહેલાં બંને ભાઈઓ ફરવા લઇ જવાનું કહી બાળકોને લઇ ઘરેથી નિકળ્યા હતા. તેમણે વિંઝોલમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક કારણ હોય શકે છે.

વટવામાં રહેતા બે સગા ભાઇઓ બે દિવસ પહેલાં ફરવા જવાનુ કહી બાળકો સાથે બહાર નિકળ્યા હતા,  પણ બે દિવસથી તમામની કોઈ ભાળ ના મળતાં ઘરની મહિલાઓ તેમને શોધતાં વિંઝોલમાં તેમના 6 મહિના જૂના ઘરે પહોંચ્યાં હતાં.  આ ઘર તેમણે છ મહિના પહેલા જ ખાલી કર્યું હતું. અહીં પહોંચતા દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી છે.  હજી મોતનું કારણ અકબંધ છે,  જે ઘરમાં બનાવ બન્યો છે ત્યાં ફ્લેટમાં બેન્ક તરફથી લોન માટે ની બે નોટીસ પણ લગાવવામાં આવી રહી છે જેનાથી ઘણા તર્કવિતર્ક સેવાઈ રહ્યા છે.